(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
કોરોના વાયરસ રોગચાળાના ફેલાવાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કર્ફ્યુ જાહેર કર્યો હોવાથી શનિવાર રાત્રે ૧૦ વાગ્યાથી રવિવારે રાત સુધી ૩૭૦૦ પેસેન્જર ટ્રેન થંભી જશે. રેલવેએ જાહેરાત કરી હતી કે, શનિવારે રાતથી જ દેશભરમાં કોઇપણ રેલવે સ્ટેશનથી કોઇ પેસેન્જર ટ્રેન ચાલશે નહીં. શનિવારે મોડી રાતે ૧૨ વાગ્યા પહેલાથી જે ટ્રેનો શરૂ છે તેમને જ તેમની ટ્રીપ પૂરી કરવાની પરવાનગી છે. રવિવારે રાત્રે ૧૦ વાગ્યા પછીની ટ્રેનોને તેમનો પ્રવાસ શરૂ કરવાની મંજૂરી છે. રેલવે મંત્રાલયે જણાવ્યું કે, ભારતીય રેલવેએ ૩૭૦૦ ટૂંકાગાળા અને લાંબાગાળાની તમામ પેસેન્જર ટ્રેનો રવિવારના જનતા કર્ફ્યુના સમય દરમિયાન રોકી દેવામાં આવશે. ભારતીય રેલવેના ૧૬૭ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ભારતની તમામ પેસેન્જર ટ્રેનોને રોકી દેવાશે. આ પહેલા રેલવેએ જાહેરાત કરી હતી કે, મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને રવિવારે સવારે ચાર વાગ્યાથી રાતે ૧૦ વાગ્યા સુધી રોકી દેવાશે જ્યારે નજીકની ટ્રેનોની સંખ્યા ઓછી કરી દેવાશે. રેલવેએ જણાવ્યું કે, કોરોના વાયરસના ભયને કારણે આ નિર્ણય લેવાયો છે જ્યારે જનતા કર્ફ્યુ દરમિયાન લોકો આ બાબતને ધ્યાનમાં રાખે. બીજી તરફ રેલવેએ એમ પણ કહ્યું હતું કે, જે ટ્રેનો સવારે સાત વાગે પહેલાથી જ ચાલતી હશે તેમને તેમના આગામી સ્થળે પહોંચી જવા દેવાશે. ઉલ્લેખનીય છે કે, મુંબઇમાં લોકલ ટ્રેન શહેરની કરોડરજ્જુ સમાન છે. અન્ય ટ્રેનોનો પણ મુંબઇમાંથી ઘણો ધસારો છે.