(એજન્સી)              તા.૧૩

ઓસ્માનિયા જનરલ હોસ્પિટલ ખાતેના જનરલ મેડિસિન અને ઓર્થોપેડિક વિભાગના પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરોએ ઓપરેશન થિયેટરમાં પર્યાપ્ત જગ્યાના અભાવે દર્દીની સારસંભાળ કઇ રીતે પ્રભાવિત થાય છે તે સમજાવવા એક નનામીનો ઉપયોગ કરીને એક ઝાડ નીચે મોક ઓપરેશન કર્યું હતું.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ માટે અગ્રિમ મોરચે કામ કરતાં લોકોને જવાબદાર ગણવા જોઇએ નહીં. પોતાના વિરોધ દેખાવોના બીજા દિવસે ડોક્ટરોએ ઓપરેશનની સંખ્યા કઇ રીતે ઘટી જાય છે તે વાત પણ સમજાવી હતી. ઓર્થોપેડિક વિભાગમાં પહેલા રોજની છ સર્જરી થતી હતી અને હવે તે ઘટીને માત્ર એક જ સર્જરી થાય છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે સંક્રમણ નિયંત્રણ  સામે પડકાર ઊભા થયાં હતાં અને જગ્યાના અભાવે પોસ્ટ ઓપરેટિવ કેર અને ઇમર્જન્સી સારવાર પ્રભાવિત થતી હતી. જનરલ મેડિસીનના ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા બે મહિનાથી સર્જરી કરતાં નથી કારણ કે હેરિટેજ બિલ્ડીંગમાંથી હવે આ વિભાગને ઓસ્માનિયા જનરલ હોસ્પિટલની નવી ઇમારતમાં ખસેડવામા ંઆવ્યું છે ત્યારથી આ વિભાગની પાસે ઓપરેશન કરવા માટે પૂરતી જગ્યા નથી જેના કારણે પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરોને વધુ સહન કરવું પડે છે. કાર્ડિયો તોરાસીસ અને ઓર્થોપેડિક વિભાગ વચ્ચે ઓપરેશન થિયેટર શેર કરવાની વ્યવસ્થા સફળ રહી નથી કારણ કે ડોક્ટરો માટે જગ્યાના અભાવે કામ કરવું શક્ય નથી. જનરલ મેડિસીનના જુનિયર ડોક્ટરોએ આ મુદ્દે ઓરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે હવે હેરિટેજ બિલ્ડીંગ ફરીથી ખોલી શકાય તેમ નથી અને આ બિલ્ડીંગ ભયજનક અને લોકોની જીંદગી માટે જોખમી છે. જનરલ મેડિસીનના જુનિયર ડો.રોહિત રાઠોરે જણાવ્યું હતું કે તેમને સહકાર નહીં આપવા બદલ પ્રશાસકો અમને જવાબદાર ગણાવે છે. વાસ્તવમાં પ્રશાસકોએ તેનો ઉકેલ શોધીને સિસ્ટમ ઊભી કરવાની જરુર છે.

જો યોગ્ય સુવિધા ન હોય તો અમે કઇ રીતે દર્દીઓને દાખલ કરીએ અને તેમની સંભાળ લઇએ ? દર્દીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરોને જવાબદાર ગણાવે છે તે પણ યોગ્ય નથી. પોસ્ટ ડોક્ટરો એ બાબતે બેચેન છે કે ઉકેલ શોધવાના બદલે પ્રશાસકો તેમને એડજેસ્ટ થવા અને કોઇ રસ્તો કાઢવા જણાવે છે. પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરોએ જણાવ્યું છે કે જ્યાં સુધી સરકાર તેમને દર્દીઓના ઓપરેશન કરવા અને તેમની સારસંભાળ લેવા માટે પૂરતી જગ્યા નહીં આપે ત્યાં સુધી તેઓ તેમનું આંદોલન ચાલુ રાખશે.