અમદાવાદ,તા. ૨૦
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિટી સિવિક સેન્ટરની કામગીરીનો હવાલો વર્ષોથી પ્રાઇવેટ કંપનીઓને સોંપી દેવાયો છે, જેના કારણે લોકોને સિવિક સેન્ટરમાં સામાન્ય પ્રોપર્ટી ટેક્સ ભરવા જતી વખતે પણ સ્ટાફના અનેક કડવા અનુભવ થાય છે. બીજી તરફ નવા પશ્ચિમ ઝોનના સિવિક સેન્ટરમાં અગાઉ પ્રોપર્ટી ટેક્સનું કૌભાંડ ખૂબ ગાજ્યું હતું. હવે જન્મ-મરણ નોંધણીના પ્રમાણપત્ર સાથે ચેડાં કરાયાં હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવતાં જબરદસ્ત ચકચાર મચી ગઇ છે. જેને પગલે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા આ સમગ્ર મામલે આ કૌભાંડમાં સંડોવણી ધરાવતી માઇક્રોટેક, કોમલ એન્ટરપ્રાઇઝ અને પ્રેસકોટ એમ ત્રણ ખાનગી કંપનીઓ સામે પગલાં લેવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. મધ્ય ઝોનમાં કોમલ એન્ટરપ્રાઇઝ, પશ્ચિમ ઝોનમાં માઇક્રોટેક અને દક્ષિણ ઝોનમાં પ્રેસકોટ કંપની દ્વારા સ્ટેડિયમ, ઇસનપુર જેવા સિવિક સેન્ટરમાં ફરજ બજાવવા મુકાયેલા સ્ટાફ દ્વારા જન્મના પ્રમાણપત્રમાં કૌભાંડ આચરાયું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ ત્રણેય કંપનીના કેટલાક કર્મચારી નાણાં લઇને જન્મના નામ અને જન્મ તારીખમાં સુધારા કરી આપતા હતા. સિવિક સેન્ટરમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતી વખતે આ કર્મચારીઓ કમ્પ્યુટરના સોફ્ટવેર સાથે ચેડાં કરીને કૌભાંડ આચરતા હતા. આ અંગે તંત્રના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ફરિયાદ થતાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો, જેના કારણે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર દ્વારા વિજિલન્સ તપાસ ગોઠવાઇ હતી. દરમિયાન વિજિલન્સ વિભાગની પ્રાથમિક તપાસમાં માઇક્રોટેક, કોમલ એન્ટરપ્રાઇઝ અને પ્રેસકોટ કંપનીના કુલ ૧૩ કર્મચારી દ્વારા વીસથી વધુ કિસ્સામાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું જાણવા મળ્યું હતું. આ વિગત જાણવા મળતાં હવે અમ્યુકો સત્તાધીશોએ આ ૧૩ કર્મચારીને શો-કોઝ નોટિસ ફટકારવાની તજવીજ હાથ ધરી છે. દરમ્યાન અમ્યુકો તંત્રના વિજિલન્સ વિભાગની પ્રાથમિક તપાસના આધારે અત્યારે જે તે કંપનીના કર્મચારીને શો-કોઝ નોટિસ ફટકારાઇ છે, પરંતુ ટૂંક સમયમાં આ ત્રણેય કંપની સામે પણ શિક્ષાત્મક પગલાં લેવાય તેવી પૂરી શકયતા છે.
જન્મ-મરણ નોંધણીના કાંડમાં ૩ કંપની ઉપર તવાઈ આવશે

Recent Comments