તાપી,તા.૨૦
વ્યારા તાલુકાનાં ઘાટા ગામના દગડી ફળિયામાં પિતાએ મારીને પુત્રનું ઢીમ ઢાળી દેતા ચકચાર મચી ગઇ હતી. પુત્રએ જમવાનું ચૂલામાં ફેંકી દેતાં રોષે ભરાયેલા પિતાએ કુહાડાના ઘા ઝીંકી તેની હત્યા કરી નાંખી હતી.
મળતી માહિતી પ્રમાણે વ્યારા તાલુકાનાં ઘાટા ગામના દગડી ફળિયામાં રહેતા ગામજી હનિયા ગામિત ગુરુવારના રોજ બપોરે બે વાગ્યાના સુમારે પોતાના ઘરે જમવા માટે આવ્યા હતા. ત્યારે તેના પુત્ર મનેષ ગામિતે (ઉ.વર્ષ ૩૦) પિતાના ભાગનું જમવાનું ચૂલામાં ફેંકી દીધું હતું. આથી બંને પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો.
જે તે સમયે પરિવારવાળાએ બંનેને છૂટા પાડી વધુ ઝઘડો કરતાં રોક્યા હતા. જે બાદ રાતનાં આઠ વાગ્યાથી બીજા દિવસે એટલે કે શુક્રવારે સવારે ૬.૦૦ વાગ્યા દરમિયાન આ વાતની અદાવત રાખી પિતા ગામજી ગામિતે ઘરમાં મુકેલ કુહાડો લઈ પોતાના સગા પુત્ર મનેષના માથા તેમજ જમણા હાથ પર ઘા કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેથી તેનું મોત નીપજ્યું હતું. આ સાથે પત્ની લીલાબેન ગામિતને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.