(એજન્સી) તા.પ
ભારતના અગ્રણી મુસ્લિમ સંગઠન જમાત-એ-ઈસ્લામી-હિંદ (જે.આઈ.એચ.)એ સીરિયા પર કરવામાં આવેલા હવાઈહુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવેલા આ હવાઈ હુમલાઓએ સીરિયાના પૂર્વ ઘૌતામાં તબાહી ફેલાવી હતી અને સેંકડો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા હતા. મીડિયાને સંબોધન કરતા જેઆઈએચના પ્રમુખ મૌલાના જલાલુદ્દીન ઉમરીએ કહ્યું હતું કે અમને આ સમાચાર સાંભળીને દુઃખ થયું કે ૬પ૦થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો લોકો ઘાયલ થયા છે મીડિયા અહેવાલોનો હવાલો આપીને તેમણે કહ્યું કે મૃત્યુ પામનારાઓમાંથી મોટાભાગના નિર્દોષ નાગરિકો અને બાળકો છે. મૌલાના જલાલુદ્દીન ઉમરીએ કહ્યું હતું કે અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને અને ખાસ કરીને યુએન, રશિયા, સીરિયા, અમેરિકા અને જી.સી.સી.ને અપીલ કરીએ છીએ કે સીરિયા પરના હુમલાઓને તાત્કાલિક રોકી દેવામાં આવે અને તરત જ યુદ્ધવિરામ લાગુ કરવામાં આવે કારણ કે યુદ્ધના કારણે નિર્દોષ લોકોની જિંદગીઓનો વિનાશ થાય છે અને કટોકટીનો ઉપાય લાવવાની તકો ઘટી જાય છે. તેમણે કહ્યું હતું કે અમે એ નિર્દેશ કરવા માંગીએ છીએ કે સીરિયાની સરકાર તેના નાગરિકોનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયું છે કારણ કે તે નાગરિક વિસ્તારોને જ લક્ષ્યાંક બનાવે છે અને સીરિયામા માનવીય કટોકટી અને શરણાર્થીઓની સમસ્યા માટે પણ સીરિયન સરકાર જવાબદાર છે.
જે.આઈ.એચ.ના વડાએ કહ્યું હતું કે આ ઘણું દુઃખદ છે કે યુએનની સુરક્ષા પરિષદ યુદ્ધવિરામ પર સંમત થઈ હોવા છતાં નિર્દોષ લોકોની હત્યાઓ રોકવામાં નિષ્ફળ ગઈ છે. બધાએ ભેગા મળીને સીરિયાની સરકારને ફરજ પાડવી જોઈએ કે યુદ્ધ અસરગ્રસ્તોને તબીબી સુવિધાઓ, માનવીય સહાય અને ખોરાક મળી રહે. અમે ખાસ ભારત સરકારને પણ અપીલ કરીએ છીએ કે તે સીરિયાના મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવે. અમે ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલને પણ અપીલ કરીએ છીએ કે તેના સભ્યે તેમની ઈસ્લામિક જવાબદારીઓ યાદ રાખે અને માનવતા ખાતર મદદ કરે.