(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૦
જમિયત ઉલમાએ હિન્દની એમ્બ્યુલન્સમાં દર્દીઓને લઈ જતી વખતે અમદાવાદમાં એલિસબ્રિજના નાકે પોલીસે રોકી ડ્રાઈવરને ગાળો ભાંડી ગાડી અટકાયતમાં લેવાનો પ્રયાસ કરવાની ઘટનાને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ સખ્ત શબ્દોમાં વખોડી આ અંગે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાને પત્ર પાઠવી સો વર્ષ જૂની પ્રતિષ્ઠિત સેવાભાવી સંસ્થાઓની એમ્બ્યુલન્સને રોકી હેરાનગતિ કરવામાં ન આવે તેવા આદેશ આપવા અપીલ કરી છે. જમિયત ઉલમા એ હિન્દ ૧૦૦ વર્ષ જૂની સંસ્થા છે. આઝાદીની ચળવળમાં જમિયતનો ફાળો અમૂલ્ય હતો. વર્ષોથી સેવાના કાર્યો સાથે સંકળાયેલ સંસ્થાની એમ્બ્યુલન્સને એલિસબ્રિજના નાકે પોલીસ દ્વારા જે રીતે રોકીને ડ્રાઈવર ગાળો ભાંડવામાં આવી કે તમો એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરો છો એમ કહીને ગાડીને અટકાયતમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો તે ખરેખર નિંદનીય છે. ગાડી રોકી ચેકિંગ કરવામાં આવે તેનો કોઈ વાંધો નથી, પરંતુ આ પ્રકારનું ગેરવ્યાજબી વર્તન પોલીસ દ્વારા થાય તે ખૂબ જ દુઃખદ બાબત છે. એમ્બ્યુલન્સમાં ગંભીર બીમારીથી પીડાતા દર્દીની તબિયત સ્થિર હોવાને કારણે દર્દીને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહીં પરંતુ જો દર્દીની તબિયત વધુ બગડી જાત તો તેના માટે જવાબદાર કોણ ? એ પણ તપાસનો વિષય છે. કોટ વિસ્તારમાં આના સિવાય બીજી કોઈ એમ્બ્યુલન્સની સેવા નથી. આથી જમિયત તેમજ તેના જેવી સેવાભાવી સંસ્થાઓ જે સેવા કાર્ય કરી રહી છે. તેમને હેરાનગતિ ન થાય તે માટે ઉપરોક્ત ઘટનામાં જે પણ જવાબદાર અધિકારી હોય તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્યાસુદ્દીન શેખએ અરજ કરી છે.