(સંવાદદાતા દ્વારા)

અમદાવાદ, તા.૧૯

બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ દ્વારા રાજસ્થાનના એક મુસ્લિમ ટ્રકચાલકને રોકી મુસ્લિમ સમાજ પ્રત્યે હલકીકક્ષાની વાત કરી અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા લઘુમતી સમાજની લાગણી દુભાઈ છે. આ અંગે જમિયત ઉલમા બનાસકાંઠા અને દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ ઉચ્ચસ્તરે રજૂઆત કરતા આજરોજ બનાસકાંઠા એસપીએ અભદ્ર ભાષાનો પ્રયોગ કરનાર કોન્સ્ટેબલ મુકેશ પરમારને સસ્પેન્ડ કર્યો છે, જ્યારે બીજા કોન્સ્ટેબલને શો કોઝ નોટિસ પાઠવી છે. બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ મુકેશ પરમારે ગતરોજ એક ટ્રકચાલકને જાતિ સમુદાયનું નામ લઈ બેફામ વાણી વિલાસ કર્યો હતો. આ અંગે ટ્રકના ચાલકે પોતાની જાગૃતતા બતાવી પોતાના પાસેના મોબાઈલમાં સમગ્ર ઘટનાનો વીડિયો કેદ કરી લીધો હતો અને આ વીડિયો વાયરલ કરતા લોકોમાં ભારે રોષ ભભૂક્યો હતો અને બનાસકાંઠા જમિયતે ઉલમા મુસ્લિમ એકતા મંચ અને મુસ્લિમ સભા દ્વારા બનાસકાંઠા એસપી અને ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદ કરી હતી, જ્યારે અમદાવાદ દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને આ બાબતની જાણ થતાં તેમણે તાત્કાલિક રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાને સમગ્ર બનાવ અંગે ઘટનાના વીડિયો સાથે રજૂઆત કરી હતી. આ ઉપરાંત ર૧મીથી વિધાનસભાનું સત્ર પણ શરૂ થતું હોવાથી આ બનાવ અંગે વિધાનસભામાં નિયમ ૧૧૬ મુજબ ચર્ચા કરી શકાય તે હેતુથી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ મુખ્યમંત્રીને રજૂઆત કરી ચર્ચા કરવા સમય માંગ્યો હતો. આથી આ ઘટનાના ગંભીર પ્રત્યાઘાત પડે તે પહેલાં આજરોજ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ કોન્સ્ટેબલ મુકેશ પરમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે, જ્યારે અન્ય કોન્સ્ટેબલ રમેશ પરમાને શો કોઝ નોટિસ આપી ત્રણ દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું છે. અન્યથા તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ અંગે જમિયત ઉલમા બનાસકાંઠાના પ્રમુખ મૌલાના અબ્દુલ કુદ્દુસે જણાવ્યું કે, એસપીએ લીધેલ પગલાંને આવકારીએ છીએ. આ નિર્ણયથી કોઈ કર્મી બીજાની લાગણી દુભાય એવું કૃત્ય કરશે નહીં. આચરેલ કૃત્ય માનવતા વિરોધી છે જેને વખોડીએ છીએ. સાથે સોશિયલ મીડિયામાં જાગૃત લોકોએ ઉઠાવેલ અવાજને વધાવ્યો હતો.