હિંમતનગર, તા. ર૮
તલોદ તાલુકાના અંત્રોલીવાસદોલજી ખાતે આવેલ એક દલિત પરિવારની કેટલીક જમીન વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગને કારણે આ દલિત પરિવાર જમીન વિહોણો બની જતા તે અંગે છેલ્લા કેટલાક વર્ષોથી ન્યાય માટે ઝઝૂમી રહ્યો છે ત્યારે આ પરિવારે થોડા દિવસ અગાઉ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી ત્રણ દિવસ ધરણાં કર્યા બાદ જો ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. જેની મુદત બુધવારે પૂર્ણ થઈ રહી હતી ત્યારે તે અગાઉ જ હિંમતનગર બી-ડિવિઝન પોલીસે ત્રણ જણની અટકાયત કરી લીધી હતી.
આ અંગે બી-ડિવિઝન પોલીસના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જમીનના પ્રશ્ને તલોદ તાલુકાના અહેમદપુરા ગામના ચંદુભાઈ નાડીયા, જસુભાઈ ઉર્ફે અશ્વિનભાઈ રણછોડભાઈ નાડિયા તથા સંજયકુમાર આત્મારામ પરમાર ત્રણ દિવસ અગાઉ તેમણે ન્યાય માટે કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ ત્રણ દિવસ અગાઉ પરિવાર સાથે હિંમતનગર કલેકટર કચેરી આગળ ધરણાં પર બેઠા હતા. જેથી વહીવટીતંત્ર દ્વારા સતત ર૪ કલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
દરમ્યાન ચંદુભાઈ નાડીયાએ આપેલી ધરણાંની ચીમકીની મુદત બુધવારે પૂર્ણ થઈ રહી હોવાથી વહીવટી તંત્રએ અગમચેતી વાપરીને ત્રણ જણાની અટકાયત કરી લીધી હતી. ત્યારબાદ તેમને હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાખી દેવાયા હતા. જે અંગે સંજયભાઈએ વહીવટી તંત્ર સમક્ષ ચંદુભાઈ નાડિયાની ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે પરંતુ ઉચ્ચ અધિકારીઓ તેનું ગમે તે અર્થઘટન કરીને આ દલિત પરિવારને સંતોષ આપતા નથી તેવો આક્ષે કરતા જણાવ્યું હતું.