(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
દેશમાં કોરોના વાયરસના ભયને જોતાં હવે જમીન બાદ આકાશમાં પણ લોકડાઉન કરવાની જાહેરાત કરી દેવાઇ છે. મંગળવારે રાતે ૧૨ વાગ્યા બાદ દેશમાં ઘરેલુ ફ્લાઇટો પર પણ પાબંદી લદાશે. એવિએશન મંત્રાલયે કહ્યું છે કે, વિમાની કંપનીઓએ પોતાની તમામ ઘરેલુ ઉડાનો મંગળવારે રાત્રે ૧૧.૫૯ વાગ્યા સુધી પુરી કરી લેવી પડશે. કોરોના વાયરસના વધતાસંક્રમણને જોતાં આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, ૩૧મી માર્ચ સુધી ટ્રેનો પર પણ રોક લગાવાઇ છે. ઘણા શહેરોમાં ટેક્સી, કેબ, બસો પર પણ રોક છે. દેશના ૮૦થી વધુ જિલ્લાઓમાં લોકડાઉન કરાયું છે. મુંબઇમાં લોકલને રોકી દેવાઇ છે. દિલ્હીમાં મેટ્રો ચાલી રહી નથી જ્યારે કોલકાતામાં પણ મેટ્રો બંધ છે.
રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, તેલંગાણા સહિત અનેક રાજ્યો ૩૧મી માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉનની સ્થિતિમાં છે. બીજી તરફ ઓરિસ્સા, બિહાર અને ઉત્તરપ્રદેશના ઘણા શહેરોને બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે તમામ રાજ્યોએ સ્પષ્ટતા કરી છે કે, જરૂરી સેવાઓ પર કોઇપણ પ્રકારની રોક નથી. ભારત સરકારે રાજ્યોને કડક રીતે લોકડાઉન લાગુ કરવાનું કહ્યું છે. લોકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ સામે પણ આકરી કાર્યવાહી કરવાનો નિર્દેશ અપાયો છે. પીએમ મોદીએ દેશવાસીઓને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. સરકારે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે કોરોના વાયરસના કેસો ઝડપથી વધીને ૪૧૫ પર પહોંચી ગયા છે જ્યારે મોતનો આંકડો વધીને આઠ પર પહોંચી ગયો છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોને એક અઠવાડિયા સુધી પહેલા જ પ્રતિબંધિત કરી દેવાઇ છે. આ પહેલા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને કહ્યું હતું કે, ઘરેલુ ઉડાનોના સંચાલનમાં કોઇ ફેરફાર કરાયો નથી. જોકે, સોમવારે ડોમેસ્ટિક ફ્લાઇટોની ઉડાનો પર પણ રોક લગાવાઇ છે. સોમવારે સવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ વડાપ્રધાનને પત્ર લખીને ફ્લાઇટો રદ કરવાની માગણી કરી હતી. તેમણે પત્રમાં લખ્યું હતું કે, બંગાળે બસો, ટ્રેનો બંધ કરી છે પણ ફ્લાઇટો ચાલુ છે જે ક્લોરન્ટાઇન પ્રોટોકોલથી વિપરિત છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પણ કહી દીધું છે કે, હવે કુલ ૧૯ રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન થઇ ગયું છે. વિશ્વમાં હાલ ૧૫,૦૦૦ જેટલા લોકો કોરોના વાયરસને કારણે મૃત્યુ પામ્યા છે અને ત્રણ લાખથી વધુ લોકો ચેપગ્રસ્ત છે. આ વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિને રૂબરૂ મળવા તથા તેના સંપર્કમાં આવવાથી થાય છે, જે લોકોને કફ તથા ઉધરસની તકલીફ હોય તેનાથી દૂર રહેવાની દુનિયાભરમાં સલાહ આપવામાં આવી રહી છે.

કઈ કઈ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે ?

– તમામ સરકારી અને મ્યુનિ. કોર્પોરેશન/નગરપાલિકા તથા પંચાયત સેવાઓ.
– દૂધ-શાકભાજી, ફળ-ફળાદી, કરિયાણું, પ્રોવિઝનલ સ્ટોર.
– ખાદ્ય પદાર્થો તથા ખાદ્ય સામગ્રી, પેસ્ટકંટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા અને તેને લગતું ઈ-કોમર્સ.
– મેડિકલ સ્ટોર, દવાખાના/હોસ્પિટલ, લેબોરેટરી, દવા/મેડિકલ સાધનોની ઉત્પાદક કંપની તથા તેમના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર્સ, ફાર્મસી, આરોગ્યલક્ષી સેવાઓ.
– પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.
– વીજળી ઉત્પાદન, વિતરણ અને મેન્ટેનન્સ અંગેની સેવાઓ.
– ઈન્ટરનેટ/ટેલિફોન, મોબાઈલ તથા આઈટી અને આઈટી સંબંધિત સેવાઓ.
– મીડિયા-સમાચાર પત્રો
– પાણી પુરવઠો તથા ગટર વ્યવસ્થા તંત્ર.
– પેટ્રોલ, ડીઝલ, એલપીજી/સીએનજી/પીએનજીને સંબંધિત પંપ, ઓપરેરશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટ્‌સ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન અને ડ્રિસ્ટીબ્યુશન સેવાઓ.
– વીમા કંપની, બેંક/એટીએમ તથા એટીએમને કાર્યરત રાખવા માટેની સેવાઓ, બેંકોનું ક્લિયરિંગ હાઉસ, સ્ટોક એક્સચેન્જ.
– પોસ્ટ અને કુરિયર સર્વિસ.
– ખાનગી સિક્યુરિટી સેવા.
– તમામ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ ઉપરાંત અતિઆવશ્યક સેવાઓ, ગોડાઉન.

‘કડકપણે લોકડાઉન કરાવો, ભંગ કરનારા વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરો’ : કોરોના ભય વધતા કેન્દ્રનો રાજ્યોને નિર્દેશ

કોરોના વાયરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે. દેશના દસથી વધારે રાજ્યોમાં સરકારે લૉકડાઉનનું એલાન કર્યુ છે. તેમ છતાં લોકો સતત ઘરમાંથી બહાર નીકળી રહ્યા છે. હવે આની પર વડાપ્રધાન મોદીએ કડકાઈ વર્તી છે. પીએમે લખ્યું છે કે, લોકો લૉકડાઉનનું પાલન કરી રહ્યા નથી, સરકાર કાયદાનું પાલન કરાવે. લૉકડાઉનની સ્થિતિ પર વડાપ્રધાને પોતાની ટ્‌વીટમાં લખ્યુ, લૉકડાઉનને અત્યારે પણ કેટલાક લોકો ગંભીરતાથી લઈ રહ્યા નથી. મહેરબાની કરીને આપ પોતાને બચાવો. પોતાના પરિવારને બચાવો, સૂચનાઓનું ગંભીરતાથી પાલન કરો. રાજ્ય સરકારને મારી વિનંતી છે કે, તેઓ નિયમો અને કાયદાનું પાલન કરાવે. લૉકડાઉનને અત્યારે પણ કેટલાક લોકો ગંભીરતાથી લઈ રહ્યા નથી. દેશના ૮૦ શહેર આગામી ૩૧મી માર્ચ સુધી લૉકડાઉન રહેશે. જેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને બેંગલુરૂનો સમાવેશ થાય છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ એવા શહેરો છે જ્યાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો નોંધાયેલા છે.

સ્પેનમાં ૧ દિવસમાં કોરોનાથી ૩૯૪નાં મોતથી ખળભળાટ

સ્પેનમાં ૨૨ માર્ચને રવિવારે કોરોના વાયરસથી ૩૯૪ લોકોના મોત થયાની સરકારે જાહેરાત કરી છે. ઈટાલી બાદ યુરોપમાં કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત આ દેશમાં મૃતકોની સંખ્યા ૧૭૨૦ થઈ ગઈ છે. શનિવારની તુલનામાં મૃત્યુઆંકમાં ૩૦ ટકાનો વધારો થયો છે. સ્પેનના સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર કોરોના વાયરસની પુષ્ટિના કેસોની સંખ્યા ૩૬૪૬ વધી છે, અર્થાત ૧૪.૬ ટકાના વધારા સાથે કુલ કેસોની સંખ્યા ૨૮૫૭૨ થઈ ગઈ છે. અધિકારીઓએ આગામી દિવસોમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધવા અંગેની ચેતવણી આપી છે. ૧૭૮૫ લોકો ગંભીર રીતે સારવાર કરાવી રહ્યા છે. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેજે શનિવારે રાત્રે ચેતવણી આપી કે કોરોના વાયરસની પરિસ્થિતિ સ્પેનમાં હજુ ખરાબ થઈ શકે છે.