પાટણ, તા.૬
પાટણ-કાંસા-ભીલડી રેલવે લાઈનના ચાલી રહેલા કામના વાર્ષિક નિરીક્ષણ અર્થે આવેલા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર એ.કે. ગુપ્તા અને અમદાવાદ ડિવિઝનલ રેલવે મેનેજર દિનેશકુમારે ગતરોજ પાટણ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન કાંસા-ભીલડી રેલવેનું કામ સત્વરે પૂર્ણ કરવા રજૂઆત કરતા ગુપ્તાએ જણાવ્યું કે, જમીન મળ્યેથી પાંચ મહિનામાં તમામ કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે તેમ જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજ એ.કે. ગુપ્તા તથા અમદાવાદ રેલવે ડિવિઝન મેનેજર દિનેશકુમારે ગઈકાલે સવારે ભીલડીથી પાટણ સુધી ચાલતા બ્રોડગેજ ટ્રેક, રેલવે સ્ટેશનો, પૂલો તથા અન્ય કામોનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ રાણકીવાવ નજીકના ૧પ૦૦ મીટરમાં નાંખવામાં આવનાર ટ્રેક અંગેનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારપછી પાટણ રેલવે સ્ટેશનની રૂબરૂ મુલાકાતે સાંજે આવી પહોંચતા પાટણના ધારાસભ્ય કીરીટ પટેલ, પાટણ વિકાસ પરિષદના સભ્યોએ તેઓનું શાલ ઓઢાડી સન્માન કરીને એક આવેદનપત્ર આપ્યું હતંુ અને પાટણ-કાંસા-ભીલડી રેલવે લાઈનનું કામ સત્વરે પૂર્ણ થાય અને ટ્રેનો દોડતી થાય તે અંગે રજૂઆત કરી હતી. તદુપરાંત પાટણ રેલવે સ્ટેશન ઉપર હિઝર્વેશન ટિકિટનો સમય ફૂલટાઈમ કરવા સ્ટેશન ઉપરની સુવિધા વધારવા મુંબઈ-અમદાવાદ તરફ એકાદ-બે ટ્રેન ફાળવવા સહિતની ધારદાર રજૂઆત કરી હતી. આ ઉપરાંત રાધનપુર-રણુંજ રેલવે લાઈનનો સર્વે હાથ ધરવા પણ રજૂઆત કરવામાં આવી હતી.
આ તમામ રજૂઆતો સાંભળ્યા બાદ જનરલ મેનેજર એ.કે. ગુપ્તાએ જણાવ્યું કે, હાલમાં ભીલડીથી પાટણ સુધીના કામનું મે તથા મારા અધિકારીઓએ નિરીક્ષણ કર્યું છે. ૯૦ ટકા જેટલું કામ પૂર્ણ થવા આવ્યું છે. બનાસ નદી ઉપરના સૌથી મોટા બ્રિઝનું કામ પણ હવે પૂર્ણતાના આરે છે. ખલીપુરથી ભીલડી સુધીનું કામ સંતોષજનક છે. હવે રાણકીવાવ તરફના ૧પ૦૦ મીટરની જમીન ઉપર રેલવે ટ્રેક નાખવાનું કામ બાકી છે. અમોને જમીન મળેથી આ કામ માત્ર પાંચ મહિનામાં પૂર્ણ કરી દઈશું. તેઓએ વધુમાં જણાવ્યું કે, રિઝર્વેશન ટિકિટનો સમય ફૂલટાઈમ કરવા હું મારી કક્ષાએ પ્રયત્ન કરીશ. જે દિવસે ટે્રકનું કામ પૂર્ણ થશે અને ટ્રેનો દોડતી થઈ જશે. રાધનપુરની રેલવે લાઈન માટેનું સર્વે કામ હાથ ધરવામાં આવનાર છે અને તેની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ થશે.
આ અંગે પાટણના ધારાસભ્ય કીરીટ પટેલે જણાવ્યું કે, જમીન મેળવવાના પ્રશ્ન અંગે એકાદ બે દિવસમાં રૂબરૂ કલેકટરશ્રીને મળીશું.
આ પ્રસંગે રેલવેના ચીફ ઈજનેર આર.કે. મીના, મદદનીશ ઈજનેર એ.કે.ઝા, સંપાદન કામગીરી સંભાળતા ઓમ મહેર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ વિકાસ પરિષદના કન્વીનર દેવજીભાઈ પરમારે આ કામ ત્રણ મહિનામાં પૂર્ણ કરવા રજૂઆત કરી હતી. આ પ્રસંગે વિકાસ પરિષદના મહાસુખલાલ મોદી, દિલીપભાઈ સુખડિયા, હર્ષદભાઈ ખમાર, ફારૂક મનસુરી, જે.જે. દરજી, નરેશ પરમાર, રણુંજ પેસેન્જર એસો.ના બીપીનભાઈ પટેલ, કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા વિ. ઉપસ્થિત રહ્યા હતા.