(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૧
સામાન્ય બાબતોમાં મોટી રકમની લેણ-દેણ કરતા જીપીસીબી અધિકારીઓને કારણે ગુજરાતનું પર્યાવરણ અત્યંત ઝડપથી દૂષિત થઈ રહ્યું છે. સોપારીવાલા પરિવારની માલિકીની જમીન પર બિનઅધિકૃત રીતે ઘૂસી ગયેલા તત્ત્વો સામે કાર્યવાહી કરવામાં બેદરકારી દાખવી રહેલી જીપીસીબીની ટીમને કારણે સંસ્કારી પરિવારના દીકરાઓને અનેક કચેરીઓમાં ધક્કા ખાવા પડ્યા હતા. દોઢ વર્ષથી સતત લડત ચલાવી રહેલા સોપારીવાલા કુટુંબે આખરે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)માં ફરિયાદ કરતા સુરતનું જીપીસીબી હરકતમાં આવ્યું હતું અને જવાબદારો સામે એફઆઈઆર દાખલ કરવા મજબૂર બન્યું હતું. જો એનજીટીની દખલગિરી ન થઈ હોત તો હજુ પણ ભંગારિયાઓ જગ્યાનો કબજો છોડવા તૈયાર ન હતા. જોકે, પોલીસ ફરિયાદ બાદ તમામ ભંગારિયાઓ ફરાર થઈ ગયા છે. સુરતમાં રહેતા મોહંમદ શબ્બીર સોપારીવાલાએ પારડી કણદેના સરવે નં.૨૯ હિસ્સા ૨ વાળી જમીન ખરીદી હતી અને તેના દસ્તાવેજ કરીને જમીનનો કબજો મેળવ્યો હતો. ભવિષ્યમાં રહેણાંક મકાન બનાવવાની યોજના સાથે લીધેલી જમીન પર ભંગારિયાઓનો કબજો થઈ જતાં માલિકના પુત્રો અબ્દુલ વહાબે સરકારી તંત્રને ઝંઝોળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દરેક મોરચે તેમને નિષ્ફળતા જ હાથ લાગી હતી. જીપીસીબી, પોલીસ, કલેક્ટરથી માંડીને ગુજરાત સરકાર સૂધી લેખિત રજૂઆતો કરનાર સોપારીવાલા પરિવારને કોઈ સ્થળેથી ન્યાય મળ્યો ન હતો. જીપીસીબીના અધિકારીઓ પણ મામલાને ટાળીને પોતાની અપ્રમાણિકતાના દર્શન કરાવતા હતા. જો કે, ધીમી પરંતુ મક્કમ ગતિએ આગળ વધી રહેલા સોપારીવાલા પરિવારના સતત પ્રયાસને કારણે સચીન પોલીસે ભંગારિયાઓ સામે અટકાયતી પગલાં ભર્યા હતા. અલબત્ત ભંગારિયાઓએ જગ્યાનો કબજો છોડ્યો ન હતો. ગઈકાલે જીપીસીબીના વૈજ્ઞાનિક અધિકારી આર.એન. પટેલની ફરિયાદને આધારે મહેંદી હશન મોહંમદ યાસીન, રમેશરામ મારવાડી તેમજ સૈયદ નામના શખ્સ સામે ગુનો નોંધીને સચીન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ સોપારીવાલા પરિવારે પોલીસ કમિશનરને અરજી કરીને જીપીસીબીના જવાબદારો સામે ગુનો દાખલ કરવા માંગ કરી છે. તેમની આ પ્રકારની માગણીથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાગી ગયો છે અને રજા પર ઉતરી જાય તેવી અટકળો વહેતી થઈ છે.