શિસ્તબદ્ધ પાર્ટીની છાપ ધરાવતા ભાજપના નેતા કોર્ટમાં પણ  હાજર રહેતા ન હતા !

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૩

પ્રજાની સેવા કરવા જાહેર જીવનમાં આવતા રાજકારણીઓ લોકોની તો સેવા કરવાનું બાજુએ રાખી બધુ પોતાનું જ કરતા હોવાના સંખ્યાબદ્ધ કિસ્સા બહાર આવતા રહે છે.  આવા જ વધુ એક  કિસ્સામાં શિસ્તબદ્ધ પાર્ટીની છાપ ધરાવતા ભાજપના  પૂર્વ સાંસદે જમીન વેચાણના નાણાં પરત ચૂકવવામાં ઠાગાઠૈયા કર્યા બાદ લાંબા સમયે ચૂકવણીની રકમનો ચેક આપતા તે પણ પરત ફરતા થયેલ કોર્ટ કેસમાં આખરે કોર્ટે પૂર્વ સાંસદને કસુરવાર ઠરાવી બે વર્ષની કેદ તથા રૂા.ર.૯૭ કરોડનો દંડ ફટકાર્યો છે.

દેવજી ફતેપરા વર્ષ ૨૦૧૬માં સુરેન્દ્રનગરના સાંસદ હતા. તે દરમિયાન અમદાવાદના થલતેજમાં રહેતા પ્રભાતસિંહ ઠાકોરે તેમના વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. પ્રભાતસિંહ પુર્વ સાંસદ ફતેપરા સાથે જમીન લે-વેચનો વ્યવહાર કરતાં હતા. આ દરમિયાન રાજકોટના કણકોટ ગામે આવેલી જમીન દેવજી ફતેપુરાએ વેચી હતી. જમીન પોતાની હોવાનું જણાવી પ્રભાતસિંહને વેચાણ આપવાનું નકકી કર્યુ હતું. જે પેટે પ્રભાતસિંહ ફતેપરાને ટુકડે ટુકડે ૧ કરોડ ૪૮ લાખ ૫૦ હજાર આપ્યા હતા. ત્યારબાદ જમીનનું બાનાખત કરવામાં આવ્યું હતું. પરંતુ જમીનનો દસ્તાવેજ કરી આપવા સાંસદ દેવજી ફતપરા ઠાગાઠૈયા કરતા હતા જેથી બાદમાં પ્રભાતસિંહે પોતે આપેલી રકમ પરત માંગતા ફતેપરાએ હાથ ઉંચા કર્યા હતા જેમાં દેવજી ફતેપરાએ જમીનનો દસ્તાવેજ થઈ શકે તેમ નથી તેમ કહ્યું હતું. નાણાં પરત પેટે ૧ કરોડ ૪૮ લાખ ૫૦ હજારનો ચેક તેમણે આપ્યો હતો. ફતેપરાએ એસ.બી.આઈનો ચેક આપ્યો હતો, જે ચેક પરત થયો હતો. આખરે ફરિયાદીએ કલોલ કોર્ટમાં ફતેપરા સામે કેસ દાખલ કરી દીધો હતો. પરંતુ આ કેસની મુદ્દતો પડતાં તેમાં સાંસદ હાજર રહેતા ના હતા. કલોલ કોર્ટે તા.૧૦/૧/૧૭ના રોજ જામીન લાયક વોરંટ ઈસ્યુ કર્યું હતું. બાદમાં પૂર્વ સાંસદ દેવજીભાઈએ રૂબરૂ હાજર થઈ તા.૨૮/૨/૧૭ના રોજ વોરંટ રદ કરાવ્યું હતું. ત્યારબાદ ચાર મુદ્દતોમાં ફતેપરા એક પણ વાર હાજર રહ્યા ન હતા. સાંસદ હાજર ના રહેતા કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યૂ કર્યુ હતું. આ દરમિયાન ૪-૫ વાર કલોલ કોર્ટે નોન-બેલેબલ વોરન્ટ ઈશ્યૂ કર્યા હતાં. આખરે આ મામલે ફતેપરા દ્વારા યોગ્ય નિકાલ ન કરતા અથવા વારંવાર કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે દેવજી ફતેપરાને ૨ વર્ષની સજા ફટકારી છે અને રૂા.૨.૯૭ કરોડનો દંડ પણ કલોલ કોર્ટે ફટકાર્યો છે.