પાલનપુર, તા.૧૧
વેસ્ટર્ન રેલવે પ્રોજેકટ કોરિડોરના જમીન સંપાદન સામે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. પાણીના ભાવે જમીન હડપ કરવાના આક્ષેપો સાથે આજે અસરગ્રસ્ત ત્રણ ગામના ખેડૂતોએ મામલતદારને આવેદન આપી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે.
પાલનપુર, આકેશણ અને સદરપુર ગામના ખેડૂતોએ જમીન સંપાદન મામલે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. અગાઉ રેલવે દ્વારા જમીન સંપાદન મામલે એવોર્ડ જાહેર કરાયો હતો. અને જાહેરનામું પ્રસિદ્ધ કરી ખેડૂતોની જમીન મફતના ભાવે સંપાદન કરવાની કાર્યવાહી કરી હતી. જો કે, આ મામલે ખેડૂતો હાઇકોર્ટ પહોંચ્યા હતા. જેમાં હાઇકોર્ટનો વ્યાજબી વળતર ચૂકવવાનો આદેશ છતાં રેલવે વિભાગ દ્વારા વળતર ચૂકવ્યા વિના બળજબરીથી જમીન સંપાદન થઇ રહી હોવાથી ત્રણ ગામના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી વ્યાજબી વળતરની માંગ કરી હતી. અને માગણી નહિ સંતોષાય તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે સંભવિત અનહોનીના પરિણામ માટે સરકારને તૈયાર રહેવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારતા આ મામલો તુલ પકડે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.અગાઉ પણ જમીન સંપાદન મામલે રેલવે અને ખેડૂતો વચ્ચે વિરોધ થઈ ચૂક્યો છે. મફતના ભાવે જમીન લેવા માંગતા રેલવે તંત્રની માગણીઓ ખેડૂતોએ સ્વીકારી નથી. ત્યારે આગામી સમયમાં રેલવે અને ખેડુતો વચ્ચે ગજગ્રાહ વધી શકે છે.