પરિવારના લોકોએ દાવો કર્યો કે, વર્ષોથી ભાઈની જેમ સાથે રહેનારા લિયાકતે ગાડી અટકાવી ધક્કો મારી શાબિરને પાડી દીધો, પછી સંપૂર્ણ ઘટના ઊભું-ઊભું જોતો રહ્યો

(એજન્સી)             તા.૨૦

જમ્મુના સતવારી વિસ્તારમાં આવેલા ફાલિયન મંડલ ગામમાં એક સ્થાનિક ગુજ્જર મુસ્લિમ ખેડૂતની હત્યા કરાયાનો મામલો સામે આવ્યો હતો. આ હત્યા કેટલાક ગૂંડાઓની ટોળકી દ્વારા કરવામાં આવી હતી અને તેના પગલે સમગ્ર સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો છે. હત્યા કરાયેલા ખેડૂતની ઓળખ શાબીર ચૌધરી તરીકે થઈ હતી અને ૧૦ સપ્ટેમ્બરના રોજ તેની ગૂંડાઓની ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી હતી. ૧૦ સપ્ટેમ્બરની સાંજે શાબિર તેના ઘરે પરિવાર સાથે ડીનર કરી રહ્યો હતો અને ત્યારે લિયાકતઅલી નામનો યુવક જે એના જ ગામમાં રહેતો હતો તે પણ તેમને મળવા પહોંચ્યો હતો. તેણે શાબિરને કહ્યું કે, તેની સાથે તે બજારમાં ચાલે. પરિવારના જણાવ્યાનુસાર લિયાકતઅલી પણ ગુજ્જર સમુદાયનો હતો અને તે શાબીર સાથે લાંબા સમયથી ભાઈની જેમ રહેતો હતો. શાબીરની બહેન ઝેતૂને કહ્યું કે, લિયાકત અને શાબિર બંને બાઈક પર ઘરેથી નીકળ્યા હતા અને અમુક મીટર દૂર ગયા જ હતા કે શાબિરને મારવામાં આવ્યો. શાબિરે લિયાકતને ગાડી ભગાવવા કહ્યું. જો કે, આ દરમિયાન લિયાકતે બાઈક અટકાવી દીધું અને શાબિરને રસ્તા પર ધક્કો મારી દીધો અને ઊભો-ઊભો જોતો રહ્યો. ઝેતૂન અને અન્ય પરિવારના સભ્યોએ પુષ્ટી કરી હતી કે, આ હુમલો બિન મુસ્લિમ બાશા સમુદાયના લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઘટના ગામના સરપંચના મકાનની સામે જ બની હતી. હવે પરિવારના સભ્યો ગુનેગારોને દંડિત કરવાની માંગ કરી રહ્યા છે.