(એજન્સી) તા.૨પ
મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ બાદ જમ્મુ અને કાશ્મીર પ્રશાસન વિરુદ્ધ જમ્મુ પ્રદેશના કેટલાક ભાગોમાં સ્થાનિક લોકોએ આ અતિક્રમણ ઝુંબેશનો વિરોધ કરતાં તંગદિલી ભડકી ઊઠી હતી અને તેને પરિણામે થયેલ અથડામણમાં ઓછામાં ઓછા બે શખ્સો ઘાયલ થયાં હતાં. જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી કમિશનર સુષ્મા ચૌહાણે જણાવ્યું હતું કે પ્રશાસને શુક્રવારે સવારે સંજવાન ગામમાં બથિન્દીમાં થયેલ અથડામણો બાદ પ્રશાસને અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ કેસ દાખલ કર્યો છે. જો કે તેમણે આ કેસની વિગતો જાહેર કરી ન હતી. જ્યારે જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશનની એનફોર્સમેન્ટ ટીમ પોલીસ સાથે આ વિસ્તારમાં દબાણ હટાવવા પહોંચી ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ કરીને પથ્થરમારો શરુ કર્યો હતો. તેમણે કાયદો અને વ્યવસ્થા પ્રત્યે કોઇ આદર દાખવ્યો ન હતો. આ અથડામણમાં જેએમસીના બે ડ્રાઇવરો ઘાયલ થયા હતાં અને અતિક્રમણ વિરોધી ઝુંબેશ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. જેએમસીના કમિશનર અવની લાવાસાએ જણાવ્યું હતું કે કોર્પોરેશન સત્તાવાળાઓ તરફથી મંજૂરી મેળવ્યાં વગર દુકાનો અને ઘરો સહિતના માળખાનું વિસ્તરણ કરનારા સંજવાન ગામના ૧૪ લોકોને ગત સપ્તાહે નોટિસો બજાવી હતી તેના કારણે સરકારને મહેસુલનું નુકસાન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડિમોલીશન ઝુંબેશ હાથ ધરવા માટે કામે લગાવવામાં આવેલ બે અર્થમુવર પર પત્થરમારાથી નુકસાન થયું હતું. એક પોલીસ બસને પણ નુકસાન પહોંચ્યું હતું. લાવાસાએ જણાવ્યું હતું કે એક ડ્રાઇવરને માથામાં ઇજા થઇ હતી જ્યારે બીજાને છાતી પર પત્થર લાગ્યો હતો. બંનેને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ હતી. આ ગેરકાયદે બાંધકામનો મામલો હાઇકોર્ટમાં પહાેંચ્યો હતો અને હાઇકોર્ટે તેને ગેરકાયદે, ગેરબંધારણીય ગણાવ્યું હતું અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનને અતિક્રમણ કરીને કબજો જમાવનારા લોકોને હટાવવા જણાવ્યું હતું. આ આદેશના પગલે ડઝન જેટલા વિચરતા ગુજ્જર પરિવારોને હટાવાયાં હતાં અને કાશ્મીરમાં કેટલાય ઘરો અને બાગાયતોનો નાશ થયો હતો. જો કે સ્થાનિક લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને નિશાન બનાવવાના ઇરાદાથી આ દબાણ હટાઓ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.