(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૦
આઈએએસ અધિકારીમાંથી નેતા બનેલા ડોકટર શાહ ફૈસલને જમ્મુ અને કાશ્મીર પીપલ્સ મુવમેન્ટના ટોચના પદેથી રાજીનામું આપતાં તેમણે ટ્‌વીટર બાયો પરથી “જેકેપીએમ પ્રમુખ” શબ્દ દૂર કર્યો હતો. ગત વર્ષે સિવિલ સર્વિસની નોકરી છોડયા બાદ તેમણે આ પાર્ટીની રચના કરી હતી. આજે આપેલા નિવેદનમાં પાર્ટીએ જણાવ્યું હતું કે શાહ ફૈસલે પક્ષના કાર્યકારી સભ્યોને જણાવ્યું હતું કે તેઓ એવી સ્થિતિમાં નથી કે રાજ્કીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલાં રહે અને તેઓ પાર્ટીની જવાબદારીમાંથી મુક્ત થવા માંગે છે. તેમની આ રજૂઆતને ધ્યાનમાં રાખી તેમની માંગ સ્વીકારવામાં આવી હતી અને પાર્ટીએ જણાવ્યુંં હતું કે તેઓ પોતાના અંગત જીવનને આગળ વધારી શકે છે અને તેઓ જે રીતે પાર્ટી કે સમાજને મદદરૂપ થવા ઈચ્છતાં હોય તેમ તેઓ મદદ કરી શકે છે.
જો કે આ સમયે શાહની ભવિષ્યની યોજના અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો ન હતો. મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ ફરી પોતાનું સરકારી પદ સંભાળે તેવી શકયતા છે. ૨૦૧૦ની સિવિલ સર્વિસની પરીક્ષામાં શાહે ટોપ કર્યું હતું અને ૨૦૧૯માં તેમણે સનદી અધિકારીનું પદ છોડયું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારતીય મુસ્લિમોને હાંસિયામાં ધકેલાતાં અને કાશ્મીરમાં મોટી સંખ્યામાં થઈ રહેલી હત્યાના વિરોધમાં હું આ પદ છોડું છું. જમ્મુ કાશ્મીરને આપવામાં આવેલા ખાસ રાજ્યના દરજ્જાને પાછો ખેંચવા મામલે કેન્દ્રની ટીકા કરનારોઓમાં શાહ ફૈસલ અગ્રેસર હતાં. કલમ ૩૭૦ હટાવાયાં બાદ સરકારે તેમને અન્ય નેતાઓની જેમ કસ્ટડીમાં પણ લીધા હતાં. ફેબ્રુઆરીમાં તેમની સામે જાહેર સલામતી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને ગત મહિને જ તેમને મુક્ત કરવામાં આવ્યાં હતાં. ગત વર્ષે ૨૧ માર્ચના રોજ તેમણે જેકેપીએમની સ્થાપના કરી હતી અને જણાવ્યું હતું કે આ પાર્ટી યુવાન લોકોનો અવાજ બનશે. શાહના નિર્ણય બાદ ફિરોજ પીરઝાદાની પાર્ટીના ઉપ પ્રમુખ પદે નિમણૂક કરવામાં આવી હતી.
જેકેપીએમના એક નેતાએ જણાવ્યું હતું કે શાહના આ નિર્ણય બાદ પણ આ પાર્ટી પોતાનું કામ જારી રાખશે. પાર્ટીના ધણાં નેતાઓનું માનવું છે કે શાહ ફૈસલ હજુ પણ પક્ષનું નેતૃત્વ કરવાનું જારી રાખશે.