(એજન્સી) શ્રીનગર,તા.૩
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના કંગનમાં બુધવારે સવારે સલામતી દળો સાથેની અથડામણમાં જૈશે મોહંમદના કમાન્ડર સહિત ત્રણ ઉગ્રવાદી ઠાર થયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું છે કે, તેમની પાસેથી શંકાસ્પદ વસ્તુઓ, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું છે કે, ઠાર કરાયેલો એક ઉગ્રવાદી આઇઇડી એક્સપર્ટ હતો જેને ફૌજી નામથી ઓળખવામાં આવતો હતો જ્યારે તે પાકિસ્તાનના મુલતાનનો રહેવાસી હતો. કાશ્મીરના આઇજીપી વિજય કુમારે શ્રીનગરમાં પત્રકાર પરિષદમાં કહ્યું કે, આમાંથી એક પાકિસ્તાનનો સક્રીય આતંકવાદી હતો જેનું નામ અબ્દુલ રહેમાન ઉર્ફે ફૌજી બાબા અથવા ફૌજી ભાઇ હતું અને તે પાકિસ્તાનના મુલતાનમાં રહેતો હતો. તે આઇઇડી એક્સપર્ટ હતો અને તેણે અફઘાનિસ્તાન સાથેની લડાઇમાં ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ કાશ્મીરમાં આ બીજું એન્કાઉન્ટર છે. મંગળવારે પુલવામામાં એક એન્કાઉન્ટરમાં જૈશે મોહંમદના બે ઉગ્રવાદી ઠાર કરાયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસ અનુસાર ઉગ્રવાદીઓ વિશેની માહિતી મળ્યા બાદ સંયુક્ત દળો દ્વારા ઓપરેશન અને સર્ચ હાથ ધરાતા વહેલી સવારે સિમોહ ત્રાલ વિસ્તારમાં અથડામણ સર્જાઇ હતી. ઓપરેશનમાં સામેલ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અન્ય હથિયારો કરતા અહીંથી એકે-૪૭ રાઇફલો, પિસ્તોલ જેવા હથિયારો પણ મળ્યા હતા જ્યારે જૈશે મોહંમદનો ઝંડો પણ મળી આવ્યો હતો. કુમારે કહ્યું કે, આ એક સ્પષ્ટ રીતે અભિયાન હતું અને તેમાં કોઇ ખુવારી સર્જાઇ નથી. એપ્રિલ મહિનાથી કાશ્મીર ખીણમાં ઉગ્રવાદી વિરોધી અભિયાનો વધારી દેવાયા છે. શનિવારે કુલગામ જિલ્લામાં અથડામણ દરમિયાન બે ઉગ્રવાદી ઠાર કરાયા હતા. બીજા દિવસે જ દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સલામતી દળો અને ઉગ્રવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો પરંતુ ઉગ્રવાદીઓ ગોળીબાર કરીને નાસીજવામાં સફળ રહ્યા હતા.