(એજન્સી) તા.૯
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ સોમવારે રાજ્યમાં બંદૂક ઉઠાવનારા યુવાનોને સમર્થન આપ્યું છે. પ્રદેશના વિશેષ દરજ્જાને ખતમ કર્યાનો વિરોધ કરી રહેલા મુફ્તીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, કાશ્મીરી યુવાનો પાસે નોકરી નહીં હોય તો તેઓ બંદૂક ઉઠાવશે. મુફ્તીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યા હતા કે, વિશેષ દરજ્જો ખતમ કરી સરકાર પ્રદેશની જમીન અને નોકરીઓ છીનવી રહી છે. આર્ટિકલ ૩૭૦ ડોગરા સંસ્કૃતિના બચાવ માટે હતી. તેમનું કહેવું હતું કે દેશનો ઝંડો હોય કે, જમ્મુ-કાશ્મીરનો ઝંડો.. અમને એ બંધારણે આપ્યો હતો અને ભાજપએ એ ઝંડો છીનવી લીધો છે. પોતાના ભાષણમાં મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, આજે ભાજપનો સમય છે, કાલે અમારો હશે. તેમનો પણ ટ્રમ્પ જેવો હાલ હશે. બોર્ડર્સના રસ્તા ખુલવા જોઇએ અને જમ્મુ-કાશ્મીર બંને દેશો વચ્ચે શાંતિનો પુલ બને. તેમણે સરકાર પાસે પ્રદેશના વિશેષ દરજ્જાને પાછો આપવાની માંગ કરતા કહ્યું કે, સરકારે પ્રદેશના ટુકડા કરી નાંખ્યા છે. આર્ટિકલ ૩૭૦ને મુદ્દે મુફ્તીનું કહેવું હતું કે, આ મુસ્લિમ કે હિન્દુ સાથે જોડાયેલ વિષય નથી, પરંતુ જમ્મુ-કાશ્મીરના લોકોની ઓળખ છે. જોકે પોતાના ભાષણ દરમિયાન મુફ્તી ફરી એકવાર પાકિસ્તાન તરફી પોતાના વલણને રોકી શક્યા ન હતા. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ભારત ચીન સાથે વાતચીત કરી શકે છે તો પાકિસ્તાન સાથે કેમ નહીં. આ દરમિયાન પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લાહે કહ્યું કે કોંગ્રેસ પણ ગુપકારનો ભાગ છે. જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની સાથે ચૂંટણી લડીશું. જો કે કોંગ્રેસ આ અંગે સત્તાવાર કોઇ ટિપ્પણી કરી નથી. એક દિવસ પહેલાં કોંગ્રેસ ડીડીસી ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યો. ત્યાર બાદ ફારુક અબ્દુલ્લાહનું આ નિવદેન મહત્વનું છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જીએ મીર આજે તેમને મળવા આવ્યા હતા અને કહ્યું કે આપણે એક સાથે ચૂંટણી લડી રહ્યા છીએ.
Recent Comments