(એજન્સી) તા.ર૯
કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ અને વરિષ્ઠ વકીલ મિયાં અબ્દુલ કયૂમને ડિટેન્શન સેન્ટરમાંથી તાત્કાલિક છોડી મૂકવામાં આવશે, એમ કાયદા-કાનૂનના સમાચારો પ્રસિદ્ધ કરતી વેબસાઈટ લાઈવ લૉ ડોટ ઈનના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર વતી દલીલો કરી રહેલાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કરેલી દલીલોના આધારે કોર્ટે અબ્દુલ કયૂમને છોડી મૂકવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી હતી. જો કે, તે સાથે કોર્ટે એવી પણ શરત મૂકી હતી કે મિયાં અબ્દુલ કયૂમ હાલ દિલ્હીમાં જ રહેશે અને ૭ ઓગસ્ટ સુધી કાશ્મીર જઈ શકશે નહીં, તે ઉપરાંત આ સમયગાળા દરમ્યાન તે કોઈ જાહેર નિવેદન કરી શકશે નહીં. અબ્દુલ કયૂમ વતી હાજર રહેલા વકીલ દુષ્યંત દવેએ એવી અપીલ કરી હતી કે, તેમના અસીલને આવતીકાલે છોડી મૂકવામાં આવે જેથી તેમનો પરિવાર તેમને આવકારી શકે. દવેની આ દલીલ સાથે કેન્દ્ર સરકારના વકીલ મહેતાએ સંમતિ દર્શાવી હતી. જો કે, ગત સોમવારે જ સોલિસિટર જનરલે કોર્ટને માહિતી આપી હતી કે આગામી ૬ ઓગસ્ટના રોજ સમાપ્ત થનારી અબ્દુલ કયૂમની અટકાયતને હવે વધુ લંબાવવામાં આવશે નહીં. ગત વર્ષે જમ્મુ-કાશ્મીરનું વિભાજન કરવામાં આવ્યું ત્યારબાદ ગત ૫ ઓગસ્ટથી અબ્દુલ કયૂમને અટકાયતમાં લઈ લેવાયા હતા અને હાલ તે તિહાર જેલમાં પોતાની અકાયતનો સમય પસાર કરી રહ્યા છે. ગત સોમવારે કોર્ટે કેન્દ્ર સરકારને પ્રશ્ન પૂછ્યો હતો કે, અબ્દુલ કયૂમની વૃદ્ધાવસ્થાને ધ્યાનમાં લેતાં શું તેમને વધુ લાંબો સમય સુધી જેલમાં રાખવા જરૂરી છે ? વાસ્તવમાં ગત ૨૮મેના જો જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટે અબ્દુલ કયૂમની હેબિયસ અરજી ફગાવી દઈ જમ્મુ-કાશ્મીર જાહેર સુરક્ષા એક્ટ, ૧૯૭૮ અંતર્ગત થયેલી તેમની ધરપકડને ઉચિત ઠરાવતો આદેશ કર્યો હતો, જેના પગલે હાઈકોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમની મુક્તિ શક્ય બની શકી હતી. અબ્દુલ કયૂમ વતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર વકીલ આકર્ષ કામરાએ તેમની અરજીમાં દલીલ કરી હતી કે તેમના અસીલ એક વરિષ્ઠ વકીલ છે અને ૪૦ વર્ષથી બાર એસોસિએશન સાથે સંકળાયેલા છે, એટલું જ નહીં પરંતુ તેમણે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે પણ તેમની સેવાઓ આપેલી છે. અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર કોડ ઓફ ક્રિમનલ પ્રોસિજરની પેટા કલમ ૧૦૭ અને ૧૫૧ અંતર્ગત ગત ૪ ઓગસ્ટ-૨૦૧૯ની મધરાત્રે તેમની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમની સામે જમ્મુ-કાશ્મીર જાહેર સુરક્ષા એક્ટ-૧૯૭૮ લાગુ કરવામાં આવતા તેમની અટકાયત વધુ લંબાઈ ગઈ હતી. ત્યારબાદ ૭/૮/૨૦૧૯ના રોજ જાહેર સુક્ષા એક્ટ હેઠળ તેમની ધરપકડ કરવાનો આદેશ કરાયો હતો અને બાદમાં કોઈપણ જાતની આગોતરી જાણકારી આપ્યા વિના ૮/૮/૨૦૧૯ના રોજ તેમના અસીલને આગ્રાની સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને એકાંતવાસમાં રાખવામાં આવ્યા હતા. અબ્દુલ કયૂમની ધરપકડના આદેશને જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો પરંતુ હાઈકોર્ટે પણ ૭/૨/૨૦૨૦ના રોજ તેમની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ ફરીથી હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી તે અપીલને પણ હાઈકોર્ટે ૨૮/૫/૨૦૨૦ના જો ફગાવી દીધી હતી.