(એજન્સી) શ્રીનગર, તા.૯
ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે કેન્દ્ર શાસિત જમ્મુ અને કાશ્મીર માટે નવો ડોમીસાઈલ કાયદો ઘડ્યો છે જે કાયદા સામે કાયદાકીય પડકારો ઊભા થયા છે. અરજદારોનું કહેવું છે કે, સંસદે સરકારને આ કાયદો ઘડવા સત્તા આપી નથી. આ કાયદા હેઠળ સરકારી નોકરીઓ રહેઠાણના આધારે આપી શકાશે જેની જોગવાઈ જમ્મુ-કાશ્મીરના રી-ઓર્ગેનાઈઝેશન એક્ટમાં કરવામાં આવી છે. નવા ડોમીસાઈલ નિયમો ગૃહમંત્રાલયના વહીવટી આદેશ દ્વારા આ વર્ષે માર્ચ મહિનામાં ઘડાયા હતા. જે મુજબ જમ્મુ-કાશ્મીરમાં સરકારી નોકરીઓ એમના નિવાસીઓ માટે અનામત રહેશે એ ઉપરાંત રાજ્ય બહારના લોકો જે ૧૫ વર્ષથી અહીંયા રહે છે અથવા સરકારી અધિકારીઓ જેઓએ ૧૦ વર્ષ સુધી અહીંયા ફરજો બજાવી છે એમના બાળકો માટે પણ ઉપલબ્ધ રહેશે. આ પહેલાં જ્યારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો અમલમાં હતો ત્યારે રાજ્ય સિવાયના અન્ય લોકો નોકરીઓ મેળવી શકતા ન હતા. નવા કાયદાને પડકારનાર ત્રણ અરજદારો છે જેમાંથી બે હરિયાણાના નિવાસીઓ અને એક લદ્દાખનો નિવાસી છે. એમણે કાયદાને બંધારણના અનુચ્છેદ ૧૪, ૧૬, ૧૯ અને ૨૧નું ભંગ ગણાવ્યું છે. ૪થી ઓગસ્ટે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટે સરકાર પાસેથી અરજીના પગલે જવાબ માંગ્યું હતું. પડકારનું મુખ્ય આધાર બંધારણના અનુચ્છેદ ૧૬(૩)ની જોગવાઈ છે. જે મુજબ સંસદે સરકારને જમ્મુ-કાશ્મીરના રી-ઓર્ગેનાઈઝેશન એક્ટની કલમ ૯૬માં સુધારો કરવાની સત્તા આપી નથી. અરજદારોએ જણાવ્યું છે કે, સરકારને કલમ ૯૬ હેઠળ મળેલ અધિકારોને સંસદ દ્વારા અનુચ્છેદ ૧૬(૩) હેઠળ અપાયેલ સત્તા તરીકે ગણવામાં નહીં આવે. અનુચ્છેદ ૧૬(૩)માં જોગવાઈ કરવામાં આવી છે કે, સંસદ આ અનુચ્છેદ હેઠળ સરકારી નોકરીઓ રહેઠાણના આધારે આપી શકે છે. અરજદારોના જણાવ્યા મુજબ કલમ ૯૬ હેઠળ જે અધિકારો અપાયા છે એ માત્ર હાલ જમ્મુ-કાશ્મીરમાં ચાલુ કાયદાઓ હેઠળ જે અરજીઓ આવે એમણે સગવડ કરી આપવાની છે. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ્દ કરાયો એ પહેલાં અનુચ્છેદ ૩૫એ અમલમાં હતો જે જમ્મુ-કાશ્મીરના કાયમી નિવાસની બાબતો સાથે સંકળાયેલ હતો. જે અનુચ્છેદ હેઠળ રાજ્યના લોકોને જ નોકરીઓ અને મિલકતો ખરીદવાના અધિકારો હતા. રાજ્ય બહારના લોકો નોકરી અને મિલકતો ખરીદી શકતા ન હતા. જમ્મુ-કાશ્મીરના પૂર્વ સચિવે જણાવ્યું કે, નવા ડોમીસાઈલ કાયદાઓને અનુચ્છેદ ૧૪ હેઠળ પણ પડકારી શકાય છે જ્યાં સુધી એમણે વિશેષ રક્ષણ આપવામાં નહીં આવે જે રક્ષણ ઉત્તર-પૂર્વના રાજ્યને અનુચ્છેદ ૩૭૧ એ-જી હેઠળ આપવામાં આવ્યું છે.