(એજન્સી)
નવી દિલ્હી,તા.ર
કાશ્મીરના સોપોરમાં સીઆરપીએફના હેડ કોન્સ્ટેબલ અને નાગરિકનાં મોત મામલે જે લોકો જવાબદાર છે તેમને જવાબદાર ઠેરવવા જોઈએ એમ સંયુકત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરર્સના પ્રવકતાએ જણાવ્યું હતું પોતાની દરરોજની પત્રકાર પરિષદ દરમ્યાન સ્ટીફન ડુજારિકે જણાવ્યું હતું કે અમે આ મામલા પર નજર રાખી રહ્યા છે. આ અંગે જે કોઈ સામેલ છે તેમને જવાબદાર ઠેરવવા જોઈએ. પણ અમને આ મામલે વધુ તપાસ કરવા દો. બુધવારે સવારે ઉત્તર કાશ્મીરના સોપોરમાં પેટ્રોલિંગ કરી રહેલી ટુકડી પર ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. સામ-સામે થયેલા ગોળીબારમાં સીઆરપીએફના હેડ કોન્સ્ટેબલ અને એક નાગરિકનું મોત નીપજયું હતું. તેમજ અન્ય કેટલાક જવાનો અને નાગરિકોને ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર અર્થે શ્રીનગરની સેનાની ૯ર બેઝ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બે જવાનોની હાલત ગંભીર બનેલી છે. નાગરિકના મોત મામલે વિવાદ ઉભો થતા જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે વૃદ્ધ નાગરિકનું સુરક્ષા દળોના ગોળીબારમાં મોત થયું ન હતું.