(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
જમ્મુ-કાશ્મીરના ૩૩ નેતાઓને વિદેશ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. ગુરુવારે સાંજે નેશનલ કોન્ફરન્સના અલ્તાફ અહમદ વાનીને દિલ્હી એરપોર્ટ પર દુબઈની ફ્લાઇટમાં ચડતા અટકાવવામાં આવ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે તેમને વિદેશ મુસાફરી કરવાની મંજૂરી નથી. કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ની જોગવાઇઓ રદ કર્યા બાદ અનેક નેતાઓના વિદેશ જવા સામે પાબંદી લગાવી છે. જો કે પાર્ટીના જુદા જુદા નેતાઓની આ યાદીમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ડોક્ટર ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીના નામ શામેલ નથી. યાદીમાં અનેક પાર્ટીના પૂર્વ ધારાસભ્યો તથા મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. સરકારે એવી દલીલ કરી છે કે, ગુપ્તચર માહિતી અનુસાર ભારત વિરોધી પ્રવૃત્તિમાં સામેલ થવાના ઇરાદાથી વિદેશ જવા માગતા નેતાઓના પ્રવાસ પર રોક લગાવાઇ છે. વાનીએ કહ્યું, હું બપોરે એરપોર્ટ પહોંચ્યો. ઇમિગ્રેશન કાઉન્ટર પાસે પહોંચતાંની સાથે જ મને એક અલગ રૂમમાં લઈ જવામાં આવ્યો. એવું લાગ્યું કે પાસપોર્ટમાં કોઈ સમસ્યા છે, પરંતુ મને ત્યાં લગભગ ત્રણ કલાક રાખવામાં આવ્યો છે. આ માટે કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી. જમ્મુ-કાશ્મીર પોલીસ અધિકારીઓની દરમિયાનગીરી બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો. વાનીએ કહ્યું, આ પછી મેં પરિવારને પ્રવાસ પર જવા કહ્યું અને ઇમિગ્રેશનને આ મુદ્દે સ્પષ્ટતા કરવા કહ્યું. લગભગ ત્રણ કલાક પછી, વાનીને પાસપોર્ટ પરત કરતી વખતે, તેમને કહેવામાં આવ્યું કે માર્ચ ૨૦૨૧ સુધી તેમને વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ છે.
Recent Comments