(એજન્સી) શ્રીનગર, તા. ૧૫
જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાહે ગુરૂવારે જાહેરાત કરી હતી કે, શ્રીનગરમાં તેમના નિવાસ ખાતે ગુપકર ડેકલેરેશનની ચર્ચા કરવા માટે જમ્મુ-કાશ્મીરની છ પ્રાદેશિક પાર્ટીઓ અને મુખ્ય ધારાની મહેબૂબા મુફ્તિની પીડીપી સાથે પીપલ્સ ડેમોક્રેટિક એલાયન્સ નામનું ગઠબંધન જાહેર કરે છે. અમે પીપલ્સ કોન્ફરન્સ સહિતના છ પ્રાદેશિક પક્ષો સાથે પણ ગઠબંધન કર્યું છે. બેઠક બાદ અબ્દુલ્લાહે જણાવ્યું હતું કે, અમે આ ગઠબંધનનું નામ ‘પીપલ્સ એલાયન્સ ફોર ગુપકર ડેકલેરેશન’ રાખ્યું છે. પત્રકારો સાથે વાતચીત કરતા અબ્દુલ્લાહે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પાસેથી જે છીનવી લેવાયું છે તેના માટે અમે સંઘર્ષ કરવા તૈયાર છીએ. પાંચમી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીર પાસેથી જે છીનવી લેવાયું છે તેની બંધારણીય બહાલી માટે અમે લડત ચલાવીશું અને આ અમારી બંધારણીય લડત છે. આ લડતમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા(માર્કસિસ્ટ), જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ અને અવામી નેશનલ કોન્ફરન્સ પણ જોડાઇ છે.
અબ્દુલ્લાહના ઘરે યોજાયેલી બેઠકમાં ઓમર અબ્દુલ્લાહ, મહેબૂબા મુફ્તિ, પીપલ્સ કોન્ફરન્સના ચેરપર્સન સજ્જાદ લોન, પીપલ્સ મૂવમેન્ટના નેતા જાવેદ મીર અને સીપીએમના નેતા મોહમ્મદ યુસુફ તારિગામી હાજર રહ્યા હતા. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ ગુલામ અહમદ મીર ખરાબ તબીયતને કારણે બેઠકમાં હાજર રહ્યા ન હતા. કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સ્ક્રીનિંગને કારણે તબીબી તપાસ ચાલતી હોવાથી તેઓ હાજર નહીં રહી શકે તેવી જાણકારી મીરે ફારૂક અબ્દુલ્લાહને આપી છે. અબ્દુલ્લાહે જણાવ્યું કે, કાશ્મીરના મુદ્દાને ઉકેલવા માટે અન્ય હિતધારકો સાથે પણ ગઠબંધન વાત કરવા માગે છે. બાકીની પ્રક્રિયા વિશે ગઠબંધન મીડિયાને માહિતી પૂરી પાડતું રહેશે. ઉલ્લેખનીય છે કે, પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તિની મુક્તિ બાદ આ બેઠકને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી. બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવવા વિરૂદ્ધ ચર્ચા થવાની હતી. ૪ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાહના ગુપકર ખાતેના નિવાસે તમામ પક્ષોની પ્રથમ સર્વપક્ષીય બેઠક બોલાવાઇ હતી. તેને ગુપકર ડેકલેરેશન અથવા ગુપકર ઘોષણા નામ અપાયું હતું. સ્વાયત્તતા અને તેને મળેલા વિશેષ અધિકારો માટે મળીને સંઘર્ષ કરવાની વાત કરવામાં આવી હતી. બીજા જ દિવસે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.