(એજન્સી) તા.૧૮
પૂર્વ કેન્દ્રીયમંત્રી પ્રોફેસર સૈફુદ્દીન સોઝે શુક્રવારે કહ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં જે માહિતી આપવામાં આવી હતી કે, કલમ-૩૭૦ રદ્દ કર્યા બાદ અને રાજ્યનો વિશેષ દરજ્જોે છીનવી લીધા બાદથી જમ્મુ-કાશ્મીરમાં છેલ્લે ૫ ઓગસ્ટ, ૨૦૧૯થી ઘરમાં કોઇ નજરકેદમાં નથી એ તદ્દન ખોટું છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, મુખ્યધારાના જમ્મુ-કાશ્મીરમાં એવા અનેક લોકો છે. જેમને ઘરોમાં નજરકેદ કરી દેવામાં આવ્યા છે. સંપૂર્ણ સમયગાળા દરમિયાન મેડિકલ સલાહ માટે હું ફક્ત બે દિવસ દિલ્હીની મુલાકાત લઈ શક્યો. શ્રીનગરમાં મારી બહેનની જમ્મુ-કાશ્મીર પોલીસની પરવાનગી બાદ બે વાર મુલાકાત લીધી. તેમણે કહ્યું કે મારી બહેન મને મારા ઘરેથી તેના વાહનમાં લઈ ગઈ હતી અને મને પાછો મારા ઘરે મૂકી ગઈ હતી. હું મુક્ત થયો છું, છતાં કેમ જુઠ્ઠાણું ચલાવાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં કેન્દ્રમાં જે સરકાર છે, તેની નજરમાં બંધારણની કોઈ વેલ્યૂ જ રહી નથી. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરની હાલત દયનીય થઈ ચૂકી છે, તેમને તેમના રાજકીય બોસના માધ્યમથી ફક્ત સલાહો જ આપવામાં આવતી રહી છે. અનેક લોકો ઘરોમાં કેદમાં રહી ચૂક્યા છે. છતાં અમિત શાહ સંસદમાં સૌની સામે જુઠ્ઠાણું ચલાવેે છે. આ વાતનો વિરોધ તો થવો જ જોઈએ.