(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
લોકસભામાં માહિતી અપાઈ હતી કે ચાલુ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં ૩૧૮ લોકોનાં મોત થયા હતા જેમાં ર૦૩ ત્રાસવાદીઓ અને ૭પ સલામતી જવાનોનો સમાવેશ થાય છે. ગૃહરાજ્યમંત્રી હંસરાજ આહિરે પ્રશ્નકાળમાં કહ્યું કે ૧૪ ડિસેમ્બર સુધીમાં ૩૩૭ જેટલી ત્રાસવાદી ઘટનાઓ બની હતી. જેમાં ૪૦ નાગરિકો, ૭પ સલામતી અધિકારીઓ અને ર૦૩ ત્રાસવાદીઓના મોત થયા હતા. જ્યારે ૩ર૧ લોકો ઘવાયા હતા. ૯૧ ત્રાસવાદીઓની ધરપકડ પણ કરાઈ હતી. નકસલવાદની ઘટનાઓનો ઉલ્લેખ કરતાં ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, ૮૧૩ જેટલી વર્ષ દરમિયાન હિંસાની ઘટનાઓ દેશમાં બની. જેમાં ૧૦૦ નાગરિકો, ૭પ સલામતી જવાનો અને ૧૧૧ નકસલવાદીઓ માર્યા ગયા. એક હજાર લોકો ઘવાયા. ૧૭૧ર નકસલીઓને પકડી લેવાયા. ર૦૧૪-ર૦૧પમાં રક્ષા સંસ્થાઓ પર બે હુમલા થયા. જ્યારે ર૦૧૬માં ૬ હુમલા થયા. ડિસેમ્બર ૧૦ સુધીમાં ૧ રક્ષા કેન્દ્ર હુમલાનો ભોગ બન્યો. ઉત્તરપૂર્વમાં હિંસાઓમાં ૯૭ લોકોના મોત થયા. જેમાં પ૧ ત્રાસવાદીઓ અને ૧ર સલામતી જવાનોનો સમાવેશ થાય છે.

શોપિયાંમાં ઓપરેશન CASO દરમ્યાન હિંસક ઝપાઝપી

(એજન્સી) શ્રીનગર, તા.૧૮
દક્ષિણ કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળોના ઓપરેશન કાર્ય દરમ્યાન હિંસક બનાવો બન્યા. સૂત્રો અનુસાર શોપિયાના બતમરન-વનખેરા ગામમાં જેવું જ સુરક્ષા દળોએ ઘેરીને તપાસ અભિયાન શરૂ કર્યું તો લોકોને વિરોધ કરવાનું પણ ચાલુ કરી દીધું સુરક્ષા દળોને ગામમાં આતંકવાદીઓ હોવાની જાણકારી મળી હતી. સુરક્ષા દળોના ગામમાં પ્રવેશતા જ સ્થાનિક લોકો, મોટાભાગે યુવકો, બહાર આવી ગયા અને તેમણે સૂત્રોચ્ચાર ચાલુ કરી દીધો. સ્થાનિક સૂત્રો અનુસાર તેમણે પથ્થરમારો પણ કર્યો જેનાથી ઝપાઝપી શરૂ થઈ ગઈ. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે સુરક્ષા દળોએ હવામાં ફાયરીંગ કરી છે.

જમ્મુ કાશ્મીરમાંથી ગુમ થયેલી યુવતી પંજાબમાંથી મળી

(એજન્સી) જમ્મુ, તા.૧૯
જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાંથી મહિના પહેલાં ગુમ થયેલી ૧૯ વર્ષની એક વિદ્યાર્થિની પંજાબમાં મળી આવી છે તેમ પોલીસે જણાવ્યું હતું. મહિના પહેલાં ગુમ થયેલી ડોડાની વિદ્યાર્થિની પટિયાલાના ગેસ્ટ હાઉસમાંથી મળી આવી હતી. ડિસેમ્બર ૭ના રોજ શાળામાં ગયેલી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ કરાયું હોવાની પરિવારે પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરતાં ગુમ યુવતીને દિલ્હી લઈ જવાઈ હોવાની માહિતી મળી હતી ત્યાં પોલીસે તપાસ કરતાં ટેકનિકલ આધારે યુવતીને પંજાબમાંથી શોધી કઢાઈ હતી. પોલીસે પટિયાલાના ગેસ્ટ હાઉસમાંથી ૧૯ વર્ષની યુવતીનો પતો લગાવ્યો હતો. પોલીસે કાયદેસર કાર્યવાહી કરી યુવતીનો કબજો લઈ તેના પરિવારને સોંપી દીધી હતી. આ સંદર્ભમાં હજુ કોઈની ધરપકડ કરાઈ નથી. ગુનેગારોને ઝડપી લેવા કાર્યવાહી ચાલુ છે.