(એજન્સી) શ્રીનગર,તા.ર૬
જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા કાશ્મીર ખીણના જુદા જુદા વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી ‘અનપેક્ષિત’ ડિમોલિશન ઝુંબેશને કારણે આ હાડ કંપાવનારા શિયાળામાં સેંકડો લોકો બેઘર અને બેરોજગાર બની ગયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ મકાનો, દુકાનો અને વ્યવસાય સંકુલ જે જમીન પર ઉભા હતા તે જમીન પર ગેરકાયદેસર કબજો લેવામાં આવ્યો હતો. જો કે, સ્થાનિકો દાવો કરે છે કે આ બાંધકામો વર્ષોથી તેમના કબજામાં હતા. આ માર્ચમાં, પ્રથમ નોટિસ ફટકાર્યા પછી, દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં મુખ્ય બસ સ્ટેન્ડ નજીક લગભગ ૫૦ દુકાનોને તોડી પાડવામાં આવી હતી, જેમાં ડઝનબંધ દુકાનદારો બેરોજગાર બન્યા હતા, પછી નવેમ્બરમાં પુલવામાના જિલ્લા વહીવટીતંત્રે અવંતિપોરામાં મકાનો, દુકાનો અને વ્યવસાયિક મથકો તોડી પાડ્યા હતા.
‘અત્યાર સુધીની સૌથી ખરાબ પરિસ્થિતિ’
અકીબ અહમદની અવંતીપોરામાં તેના પરિવારની ૧૭ વર્ષ જૂની બેકરીને ગયા મહિને વહીવટીતંત્રે તોડી નાખી હતી. રાતોરાત બેઘર અને બેરોજગાર બનેલા, અવંતીપોરાના જહાંગીર અહમદ ભટ હવે તેના ત્રણ બાળકો અને ત્રણ ભાઈઓ સાથે બે નાના ઓરડામાં રહે છે. ૩૫ વર્ષીય ભટ ધ વાયરને કહે છે કે,“મારું મકાન અને શોપિંગ કોમ્પ્લેક્સના વિનાશને કારણે હું વ્યથિત થઈ ગયો છું. અમને વહીવટ તરફથી કોઈ સૂચના મળી ન હતી, અને કલાકોમાં જ, અમારા બધા બાંધકામો તોડી પડાયા. અમારે અત્યાર સુધીની સૌથી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે.” નવી જમીન નીતિ લાગુ થઈ ત્યારથી જ જમ્મુ અને કાશ્મીરના લોકોમાં ભયનો માહોલ છે. આ કારણે જ ડિમોલિશન ડ્રાઇવથી પ્રભાવિત લોકોએ તેમના ઘરો અને આજીવિકાના સ્ત્રોતોનું શાંતિથી નુકસાન થવા દીધું, ફક્ત નેટીઝન અને રાજકારણીઓએ જ આક્રોશ ઠાલવ્યો. સરકારના ડિમોલિશન ડ્રાઇવનો ભાગ રહી ચૂકેલા એક મહેસૂલ નિરીક્ષક ધ વાયરને કહે છે કે કલમ ૩૭૦ રદ થયા બાદ લોકો ભયભીત છે. તેણે ઉમેર્યું કે, “લોકો સરકારની કાર્યવાહી સામે બોલવામાં ડરતા હોય છે. તેઓ વિચારે છે કે (વિધ્વંસની પ્રતિક્રિયા માટે) તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.” વહીવટીતંત્રનું કહેવું છે કે ડિમોલિશન ડ્રાઇવનો હેતુ અતિક્રમણ કરનારાઓને ખાલી કરાવવાનો છે અને રસ્તાઓના વિકાસને સરળ બનાવવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે ધ્વંસને કારણે અસરગ્રસ્તોમાંથી કોઈ પણ કોર્ટમાં કેસ દાખલ કરી શકશે નહીં કારણ કે તેમની સંપત્તિ રાજ્યની માલિકીની જમીન પર સ્થાપિત છે.
– ઇરફાન અમીન મલિક
ઈરફાન અમીન મલિક કાશ્મીર સ્થિત એક પત્રકાર છે.
(સૌ. : ધ વાયર.ઈન)