(એજન્સી) નવી દિલ્હી, તા.ર
જમ્મુ કાશ્મીરમાં કુપવાડા જિલ્લાના માચિલ સેક્ટરમાં શુક્રવારે હિમસ્ખલનની ઝપેટમાં સેનાની એક ચોકી આવી ગઈ જેમાં ત્રણ જવાનોના મોત થયા હતા જ્યારે ઘણા જવાન ઘાયલ થયા હોવાની વાત જાણવા મળી છે. માચિલમાં સોના પંડી ગલીની પાસે સ્થિત ર૧ રાજપૂત સેનાની ચોકી આશરે ૪ઃ૩૦ વાગ્યે હિમસ્ખલનની ઝપેટમાં આવી ગઈ. બે દિવસ પહેલાં કુપવાડા સહિત જમ્મુ-કાશ્મીરના વિવિધ જિલ્લાઓમાં હિમસ્ખલનને લઈ હાઈએલર્ટ જારી કરવામાં આવ્યો છે. સરકારી એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરના ઘણા જિલ્લાઓમાં હિમસ્ખલનની ચેતવણી જારી કરી છે. અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદ વચ્ચે આવેલ ૬.રની તીવ્રતાના ભૂકંપ આવવા પર ઉત્તર ભારતના ઘણા ભાગો ધ્રુજારી અનુભવ્યા બાદ આ પગલાં લેવામાં આવ્યા છે. હિમસ્ખલન અધ્યયન પ્રતિષ્ઠાન બારામુલ્લા જિલ્લાના ઊંચાઈવાળા સ્થાનો પર તૃતિય સ્તરના મધ્યમ ખતરાવાળા હિમસ્ખલનની ચેતવણી અને કુપવાડા, બાંદીપુર, શોપિયા તથા કારગિલ જિલ્લામાં બીજા સ્તરના ઓછી ખતરાવાળી ચેતવણી જારી કરવામાં આવી છે.