(એજન્સી) શ્રીનગર, તા.૧૪
જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે વિવાદિત પબ્લિક સેફટી એક્ટ હેઠળ પૂર્વ આઈએએસ અધિકારીમાંથી રાજકારણી બનેલ શાહ ફેસલની અટકાયતમાં ત્રણ મહિનાનો વધારો કર્યો છે, એમ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ્દ કર્યા પછી અટકાયતમાં રહેલ ફેસલ પર આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએસએ હેઠળ કેસ દાખલ કરાયો હતો. તેની અટકાયત બુધવારે સમાપ્ત થવાના થોડા જ કલાકો પહેલાં લંબાવાઈ હતી. પી.એસ.એ.ના બે વિભાગ છે, ‘જાહેર હુકમ‘ અને ‘રાજ્યની સુરક્ષા માટે ખતરો’, પહેલાં વિભાગમાં ત્રણ મહિના માટે અટકાયતમાં રાખી શકાય છે જે એક વર્ષ સુધી લંબાવી શકાય છે અને બીજા વિભાગમાં બે વર્ષ માટે અટકાયતમાં રાખી શકાય છે. ગયા વર્ષે ૧૩ અને ૧૪ ઓગસ્ટ દરમિયાન રાત્રે ફેસલને દિલ્હી એરપોર્ટ પર ઇસ્તંબુલની ફ્લાઈટમાં જતી વખતે અટકાવવામાં આવ્યું હતું અને શ્રીનગર પાછો મોકલવામાં આવ્યું હતું, જ્યાં તેની અટકાયત કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ સનદી અધિકારી શાહે આઈએએસની નોકરીમાંથી રાજીનામું આપ્યા પછી પોતાના રાજકીય પક્ષ જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ પાર્ટીના નામથી શરૂ કરી હતી.