(એજન્સી) શ્રીનગર, તા.૩૧
શોપિયાન ઘટનામાં સેનાએ વળતી એફઆઈઆર દાખલ કરી કહ્યું કે અમોએ ઉશ્કેરણીના છેવટ સ્વરૂપે ગોળીબારો કર્યા હતા.
ભારતીય સેનાએ શોપિયાનમાં બનેલ ઘટના સંદર્ભે વળતી એફઆઈઆર દાખલ કરી છે. આ ઘટના ર૭મી જાન્યુઆરીએ બની હતી જેમાં ત્રણ નાગરિકોના મોત થયા હતા.
જમ્મુ-કાશ્મીરનો નાગરિક રઈસ અહમદ જે ર૭મી જાન્યુઆરીની ઘટનામાં ગંભીર ઈજા પામ્યો હતો. એનું એસકેઆઈએમએસ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું જે સાથે આ ઘટનામાં મૃતકોની સંખ્યા ત્રણ થાય છે.
આ પહેલાં બે નાગરિકોના મોત થયા હતા અને ઘણી બધી વ્યક્તિઓ ઈજા પામી હતી. શોપિયાનના ગનોવપોરા ગામમાં પેટ્રોલિંગ કરી રહેલ સેના ઉપર લોકોએ પથ્થરમારો કરતા સેનાએ ગોળીબારો કર્યા હતા.
આ ઘટના પછી કાશ્મીરમાં તંગદિલી વધી ગઈ છે.
ર૪મી જાન્યુઆરીએ શોપિયાનના ચાઈગુન્ડ વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં બે ત્રાસવાદીઓના મોત થયા હતા જેના પગલે પથ્થરમારાની ઘટના બની હતી.
ઉત્તર સૈન્ય કમાન્ડર લેફ.કર્નલ જનરલ દેવરાજ અનબુએ જણાવ્યું હતું કે ટોળા દ્વારા હુમલો કરાતા અમોએ ઉશ્કેરણીના છેવટના પરિણામે ગોળીબારો કર્યા હતા.
સેના સામે જે એફઆઈઆર દાખલ કરાઈ છે એને કમનસીબ ગણાવતા કહ્યું એના બદલે જેનેરિક એફઆઈઆર દાખલ કરવી જોઈતી હતી.
સરકારે ઉતાવળે એફઆઈઆરમાં એક વ્યક્તિનું નામ જણાવ્યું છે. મને વિશ્વાસ છે કે, જ્યારે પોલીસ તપાસ કરશે ત્યારે સત્ય બહાર આવશે પણ રાજ્ય સરકાર શું કરે છે એનાથી અમને નિસ્બત નથી. અમારી પોતાની તપાસ કમિટી છે અને પોતાના કાયદાઓ છે. એ વાત સ્પષ્ટ છે કે, અમોએ ઉશ્કેરણીના છેવટના પરિણામે જ ઉત્તર આપ્યો હતો.
પથ્થરમારો કરતાં ટોળાના હુમલાને ખાળવા સેનાએ સ્વબચાવમાં ગોળીબારો કર્યા હતા. નાગરિકોના મૃત્યુ થતાં રાજ્ય સરકારની પોલીસે સૈન્ય સામે એફઆઈઆર દાખલ કરી હતી.