(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૩
જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા વડોદરાના વીર સપુત આરીફનો પાર્થિવ દેહ આજે સાંજે ૮ વાગ્યે વડોદરા લવાશે. ત્યારબાદ બુધવારના રોજ સવારે ગાર્ડ ઓફ ઓર્નર આપી પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવનાર છે. તેમની દફનવિધિ નવાયાર્ડ ડી-કેબીન કબ્રસ્તાન ખાતે કરવામાં આવશે. જેમાં રાજકીય નેતાઓ સહિત આમજનતા મોટી સંખ્યામાં જોડાશે તેવી સંભાવના છે. જમ્મુ-કાશ્મીરમાં બોર્ડર ઉપર ફરજ બજાવતી વખતે પાકિસ્તાન તરફથી થયેલા સીઝ ફાયરમાં શહેરના નવાયાર્ડ રોશનગર ખાતે રહેતાં આરીફ પઠાણ (ઉ.વ.૨૪) શહીદ થયા હતા. આરીફનો ભાઇ તેના પાર્થિવ દેહને લેવા જમ્મુ-કાશ્મીર પહોંચ્યો હતો. જ્યાંથી રાત્રે આરીફનાં પાર્થિવ દેહને વડોદરા હરણી એરપોર્ટ ખાતે લાવવામાં આવશે. જ્યાં સેના દ્વારા આરીફને ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવશે. આ સમયે રાજ્ય સરકારનાં મંત્રી યોગેશ પટેલ, કલેકટર, ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. જો કે, રાત્રે આરીફના પાર્થિવ દેહને સોંપવામાં નહીં આવે. પરંતુ બુધવારે સવારે આરીફના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવશે.
તિરંગામાં લપેટાયેલા આરીફના પાર્થિવ દેહને આર્મી કેમ્પમાં રાખી સવારે વડોદરાના આર્મી મેન દ્વારા તેને ગાર્ડ ઓફ બોર્નર દ્વારા તેના પરિવારજનોને સુપ્રત કરાશે. સવારે આરીફ પઠાણના પાર્થિવ દેહને તેના નિવાસ સ્થાને લઇ ગયા બાદ બપોરે નવાયાર્ડ ચિસ્તીયા મસ્જિદ ખાતે લઇ જવાશે. જ્યાં જનાજાની નમાઝ પઢાવવામાં આવશે. ત્યારબાદ વીર શહિદ આરીફની અંતિમ યાત્રા નિકળશે. આ અંતિમ યાત્રા ડી-કેબીન કબ્રસ્તાન સુધી જશે. ઝોહરની નમાઝ બાદ દફનવિધિ થશે. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાય તેવી સંભાવના છે.