(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
સુપ્રીમકોર્ટે આજે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે અમોએ જય શાહ અને ધ વાયરના તંત્રીને સમાધાન કરવા કહ્યું હતું પણ એ ક્યાંક પણ કહ્યું ન હતું કે વાયરે જય શાહ પાસે માફી માંગવી જોઈએ. જય શાહે વાયર સામે દાખલ કરાયેલ બદનક્ષી કેસની સુનાવણી દરમિયાન જજ ચંદ્રચુડે સ્પષ્ટતા કરી હતી. જજ સમક્ષ જય શાહના વકીલે કહ્યું કે ધ વાયરના વકીલે અમને કોર્ટની બહાર જણાવ્યું હતું કે સમાધાનનો કોઈ પ્રશ્ન જ નથી. ધ વાયરના વકીલે સ્પષ્ટીકરણ કરતા કહ્યું કે શાહના વકીલ અમને માફી માંગવા જણાવી રહ્યા છે જેનો અમે ઈન્કાર કર્યો હતો. જજ ચંદ્રચુડે પણ કહ્યું હતું કે અમોએ માફી માંગવા માટે કહ્યું ન હતું. એમણે વધુમાં જણાવ્યું કે પ્રેસને સ્વતંત્રતા હોવી જોઈએ. સુનાવણી દરમિયાન સીજેઆઈ દીપક મિશ્રાએ પણ કહ્યું કે પ્રેસની સ્વતંત્રતા વ્યાપક મુદ્દો છે અને અમે કાયમ પ્રેસની સ્વતંત્રતા ઉપર પ્રતિબંધ મૂકવાથી દૂર રહ્યા છે. આ કાર્યવાહીનો અંત લાવવા સુપ્રીમકોર્ટે ફરીથી સમાધાન કરવા જણાવ્યું હતું. આ તબક્કે વાયરના વકીલે જણાવ્યું કે અમોએ જય શાહ બાબતે જે લખવું હતું એ બધુ લખી નાંખ્યું છે અને વધુ કંઈ લખવાનું રહેતું નથી અને અમોએ જે લખ્યું છે એ કંપનીના રજિસ્ટ્રારના રેકર્ડ ઉપરથી લખ્યું છે. જે રેકર્ડ જાહેર જનતા પણ જોઈ શકે છે. હવે સમાધાન કયા મુદ્દાઓ બાબત કરવાનું રહે છે.