(એજન્સી) તા.ર૭
ર૩ જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧રપમી જયંતી સમારોહ દરમ્યાન કોલકાતામાં જય શ્રી રામના સૂત્રો લગાવવાની ઘટના અંગે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે ફરી ભાજપ પર હુમલો કર્યો. હુગલી જિલ્લાના પરશુરામાં એક જનસભામાં મમતાએ જણાવ્યું કે, હું ભાજપની સામે માથું નમાવાના સ્થાને પોતાનું ગળું કાપી દઈશ. મમતાએ ભાજપના જય શ્રી રામના સૂત્રનો જવાબ પણ સૂત્રથી જ આપ્યો છે. તેમણે હરે કૃષ્ણા હરે રામ, વિદા હો ભાજપ-વામનું સૂત્ર આપ્યું. ર૩ જાન્યુઆરીએ વિકટોરિયા મેમોરિયલમાં નેતાજી જયંતી સમારોહમાં મમતાએ ત્યારે ભાષણ આપવાથી ઈન્કાર કરી દીધો હતો. જ્યારે ત્યાં હાજર ભાજપ કાર્યકર્તાઓએ જય શ્રી રામના સૂત્ર લગાવ્યા હતા. તે અંગે સોમવારે મમતાએ જણાવ્યું કે તે લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે મારું અપમાન કર્યું છે. હું બંદૂકમાં નહીં પરંતુ રાજકારણમાં વિશ્વાસ ધરાવું છું. ભાજપે નેતાજી અને બંગાળનું અપમાન કર્યું છે. મમતાએ જણાવ્યું કે જો તમે નેતાજી સુભાષચંદ્ર બોઝની જય કરી હોત તો હું તમને સલામ કરતી પરંતુ જો તમે મને બંદૂકના બળે રાખવાનો પ્રયાસ કરો તો મને ખબર છે કેવી રીતે જવાબી હુમલો કરવો છે.
તૃણમૂલ છોડી ભાજપમાં જઈ રહેલા નેતાઓ પર પણ સાધ્યું નિશાન
તૃણમૂલ સુપ્રીમોએ પાર્ટી છોડી ભાજપમાં જઈ રહેલા નેતાઓ પર પણ નિશાન સાધ્યું. તેમણે જણાવ્યું કે તમને લોકોને તૃણમૂલની ટિકિટ ના મળી માટે ભાજપમાં જઈ રહ્યા છે. તેમણે ભાજપને ફરી વોશિંગ મશીન બતાવ્યું. મમતાએ જણાવ્યું કે, સન્માનિત લોકોને અમે પોતાની પાર્ટીમાં લઈશું, ચોરોને તૃણમૂલમાં નહીં લઈએ. તેમણે જણાવ્યું કે બંગાળ કંગાળ નથી, ભાજપ ટીવીવાળાઓને ડરાવી માત્ર ટીવી પર જીતી રહી છે.
એટલા માટે નારાજ થયાં મમતા
નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧રપમી જયંતી પર આયોજીત પરાક્રમ દિવસ સમારોહમાં બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી ભાજપ કાર્યકર્તાઓ દ્વારા જયશ્રી રામનું સૂત્ર લગાવવાથી ખૂબ જ નારાજ થઈ ગયાં. તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેજ પર જ હાજર હતા અને મમતાએ ગુસ્સો વ્યક્ત કરતા ભાષણ આપવાથી ઈન્કાર કરી દીધો. તેમણે વડાપ્રધાન સહિત ત્યાં હાજર અન્ય વિશિષ્ટ લોકોની સામે આરોપ લગાવતા જણાવ્યું કે, સરકારી કાર્યક્રમનું એક સન્માન હોવું જોઈએ. કોઈને કાર્યક્રમમાં બોલાવી અપમાન કરવું યોગ્ય નથી.
ભાજપ કાર્યકર્તાઓને આપી ધમકી
ભાટપાડામાં પણ મમતાએ પોતાનો કાફલો રોકીને ગાડીમાંથી ઉતરીને ભાજપ કાર્યકર્તાઓને જોઈ લેવાની ધમકી આપી હતી. તેમણે આ ઘટના અંગે બધાની સામે પોલીસ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. ત્યારબાદ પોલીસે મમતાના કાફલાની સામે સૂત્રો લગાવનારા ૧૦ ભાજપ સમર્થકોની ધરપકડ કરી હતી. જો કે, તેમને જામીન મળી ગયા. આ ઘટના પછી બેરકપુરથી ભાજપ સાંસદ અર્જુનસિંહે જૂન ર૦૧૯માં મુખ્યમંત્રી મમતા બેનરજીને જય શ્રી રામ લખેલા ૧૦ લાખ પોસ્ટકાર્ડ મોકલવાની પણ જાહેરાત કરી હતી. ત્યારબાદ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા મુખ્યમંત્રીની ઓફિસ તેમજ ઘરમાં પોસ્ટથી લાખો પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યા. તે અંગે તૃણમૂલ તેમજ ભાજપની વચ્ચે જોરદાર રાજકારણ થયું હતું.