(એજન્સી) કોલકાતા, તા.૨૫
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે ભાજપ પર નવેસરથી પ્રહારો કર્યા હતા. મમતાએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપે ગત શનિવારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મદિન પ્રસંગે તેમનું અપમાન કર્યું હતું અને જણાવ્યું હતું કે, કેસરિયા પાર્ટીએ નેતાજી અને બંગાળ બન્નેનું અપમાન કર્યું છે. ગત શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ શેર કરતી વખતે જય શ્રી રામના સૂત્રોચ્ચાર બાદ ભાષણ આપવાનો ઈન્કાર કર્યો હતો. મમતાએ જણાવ્યું હતું કે, નેતાજી માત્ર બંગાળના નહીં જ પણ તમામ લોકોના નેતા છે. તેઓ દેશ અને વિશ્વના નેતા છે. હું તેમના જન્મ દિવસની ઉજવણીમાં ગઈ હતી. પણ તેમને ઘણી ઉદ્ધતાઈનો સામનો કરવો પડયો હતો. કેટલાક ધર્માંધ લોકોએ ૨૩મી જાન્યુઆરીના રોજ વિકટોરિયા મેમોરિયલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મને ચિઢવવાનો પ્રયાસ કર્યો હતો. બંગાળના હૂગલી જિલ્લામાં પુરસુરા ખાતે યોજાયેલ એક જાહેર સભામાં તેમણે ઉક્ત વાત જણાવી હતી. મમતાએ જણાવ્યું હતું કે, તેઓ મને જાણતા ન હતા. જો કોઈ મને તેમના ઘરમાં વાસણો સાફ કરવાનું કહે તો હું ખુશીથી હા કહીશ, કેમ કે, તે મહિલાઓનું કામ છે, પુરૂષોનું કામ છે. અને મને ઘરનું કામ કરવું ગમે છે. પણ જો તમે મારી સામે બંદૂક તાકીને કંઈક કહેશો તો હું તેનો રાજ્કીય જવાબ આપીશ. કેમ કે, હું બંદૂકમાં વિશ્વાસ નથી રાખતી. હું રાજ્કારણમાં માનું છું. મે તમને કહ્યું તેમ બંગાળ આવવા બદલ હું મોદીની આભારી છું. જો આ કાર્યક્રમમાં નેતાજીના સૂત્રોચ્ચાર થયા હોત તો હું તમને સલામ કરત. તેમણે ભાજપના પ્રમુખ જે.પી.નડ્ડા દ્વારા નોબેલ પારિતોષિક વિજેતા રબિન્દ્રનાથ ટાગોરના જન્મ સ્થળ અંગે ખોટું નામ લેવા બદલ જણાવ્યુંં હતું કે, કેસરિયા પાર્ટીએ અગાઉ પણ બંગાળની દંતકથા સમાન હસ્તિનું અપમાન કર્યું હતું.