(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૧
રાજયમાં મકાન વિહોણા જરૂરિયાત મંદ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે રાજય સરકારે અપાતી સહાય વધારવાનો મહત્વનો નિર્ણય કર્યો છે સરકાર દ્વારા હાલમાં અપાતી સહાયમાં ૭૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય લેવાતા હવે જરૂરિયાત મંદોને રૂા.૧.ર૦ લાખની સહાય મળતી થશે. જેની ગરીબ વર્ગના લોકો પોતાનું ઘર મેળવી શકશે.
રાજય સરકારના નિર્ણય અંગેની વિગતો આપતા સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે ઉમેર્યું કે, અનુસૂચિત જાતિ બક્ષીપંચની જાતિઓ વિચરતી વિમુકત જાતિઓ અને બિન અનામત જાતિઓને ઘરના ઘરનું સપનું સાકાર કરવા વર્ષ ર૦૧૪માં જે સહાય ૪પ હજાર હતી તેમાં વધારો કરીને અગાઉ રૂા.૭૦ હજાર કરાઈ હતી. વધતી જતી મોંઘવારી અને લોકોની માગણીઓને ધ્યાને લઈને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે રૂા.૧.ર૦ લાખની સહાય આપવામાં આવે છે જેને સુસંગત થવા ગુજરાત સરકારની આવાસ યોજનામાં પણ અનુસૂચિત જાતિઓ, બક્ષીપંચની જાતિઓ, વિચરતી વિમુકત જાતિઓ બિન અનામત આર્થિક પછાત જાતિઓને મકાન દીઠ રૂા.૧.ર૦ લાખની સહાય અપાશે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત બક્ષીપંચની ૧૪ર જાતિઓ, વિચરતી અને વિમુકત ૪૦ જાતિઓ, અંદાજે પ૮ બિનઅનામત સવર્ણ જાતિઓ તેમજ ડો. આંબેડકર આવાસ યોજના અંતર્ગત ૩૬ અનુસૂચિત જાતીઓને હાલ મકાન બનાવવા માટે આ સહાય પુરી પાડવામાં આવી રહી છે રાજય સરકાર દ્વારા લેવાયેલ આ નિર્ણયને કારણે ગ્રામ્ય વિસ્તારમાં રૂા.૧.ર૦ લાખ અને શહેરી વિસ્તારમાં રૂા.૧.પ૦ લાખની આવક મર્યાદા ધરાવતા અંદાજે ર૦ હજાર કુટુંબોને આવરી લઈને અંદાજે રૂા.ર૪૦ કરોડની સહાય આપવાનું રાજય સરકારનું આયોજન છે છેલ્લા પાંચ વર્ષમાં ૮૧૩પ૪ કુટુંબોને કુલ રૂા.રપ૬ કરોડની સહાય અપાઈ છે.