(એજન્સી) બર્લિન,તા.૫
જર્મનીએ ૨૦૨૦ના વર્ષમાં એશિયાના મધ્ય પૂર્વના દેશોને ૧.૪ બિલિયન ડોલરના મૂલ્યના હથિયારોની નિકાસ માટે મંજૂરી આપી હતી, સ્થાનિક સમાચાર સંસ્થાએ નાણા મંત્રાલયને ટાંકીને રિપોર્ટ આપ્યો હતો. જર્મન સાંસદ દ્વારા પૂછાયેલ એક પ્રશ્નના જવાબમાં મંત્રાલયે ગયા વર્ષે કરાયેલ હથિયારોની નિકાસ અંગે રિપોર્ટ આપ્યો હતો, એમણે સ્પષ્ટ કર્યું હતું કે જર્મનીએ ગયા વર્ષે ઈજીપ્તને ૯૨૩ મિલિયન ડોલરના હથિયારોનું વેચાણ કર્યું હતું. એ સાથે જર્મનીએ કતારને ૩૭૪ મિલિયન ડોલર, યુએઈને ૬૩ મિલિયન ડોલર, કુવૈતને ૨૮.૭ મિલિયન ડોલર, તુર્કીને ૨૮ મિલિયન ડોલર, જોર્ડનને ૨ મિલિયન ડોલર અને બહેરીનને ૧.૮ મિલિયન ડોલરના હથિયારો વેચવા મંજૂરી આપી હતી. મંત્રાલયે આ પહેલા જણાવ્યું હતું કે નાટો અને ઈ.યુ.ના સભ્ય દેશોએ ૨૦૨૦ના વર્ષમાં ૩૭.૩ ટકા લશ્કરી સંસાધનો જર્મનીની નિકાસ દ્વારા મેળવ્યા હતા. અને જર્મનીના હથિયારોની ખરીદીમાં ઈ.યુ. સિવાયના દેશોમાં ટોચના દેશો ઇઝરાયેલ, ઈજીપ્ત અને અમેરિકા છે.