(એજન્સી) બર્લિન, તા.૧૯
ઈસ્લામ પર ટિપ્પણીને લઈને જર્મનીમાં ચાન્સેલર એન્જેલા મર્કેલ અને ગૃહમંત્રી હોર્સ્ટ જીહોફર સામ-સામે આવી ગયાં છે. જર્મનીના ગૃહમંત્રી હોર્સ્ટ જીહોફરે કહ્યું કે ઈસ્લામ જર્મન સંસ્કૃતિનો ભાગ નથી. તેની આ ટિપ્પણી બાદ મર્કેલે પોતાના જ ગૃહમંત્રીની ટિપ્પણીને નકારી કાઢી અને કહ્યું કે ઈસ્લામ બરાબર તે જ રીતે દેશની સંસ્કૃતિ અને ઈતિહાસનો ભાગ છે જે રીતે ખ્રિસ્તી અને યહુદી ધર્મ છે. લાંબી ક્વાયત બાદ બનેલી ગઠબંધન સરકાર માટે આ નિવેદન ચિંતાનું કારણ બની શકે છે.
જર્મનીના ગૃહમંત્રી હોર્સ્ટ જીહોફરે એક સ્થાનિક અખબારને આપેલા સાક્ષાત્કારમાં કહ્યું હતું કે, ખ્રિસ્તીઓએ જર્મનીને આકાર આપ્યો છે અને દેશે પોતાની સંસ્કૃતિ ભૂલવી જોઈએ નહીં, જ્યારે ઈસ્લામનો જર્મની સાથે કોઈ સંબંધ નથી. તેમણે ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલા પાસાઓની ચર્ચા કરતાં એ પણ કહ્યું કે જે મુસ્લિમ આપણી વચ્ચે રહે છે, તે જર્મની છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે આપણી સંસ્કૃતિ અને પહેરવેશનો ત્યાગ કરીએ. તેમણે કહ્યું કે, મુસલમાન આપણી સાથે રહે, પરંતુ આપણા પછી પણ નહીં અને આપણી વિરૂદ્ધ પણ નહીં.