(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૧
રીક્ષા અને ફોર વ્હીલર વાહનોમાં એકલ દોકલ મહિલાઓને બેસાડી લુંટ ચલાવી દુષ્કર્મ આચરી ઠંડા કલેજે હત્યાઓ કરનાર જલુંધના ત્રણ સિરીયલ કીલરોએ ખંભાત તાલુકાના ભુવેલ ગામની નર્સનું પણ રીક્ષામાં અપહરણ કરી લુંટ ચલાવી તેણી પર સામુહિક દુષ્કર્મ આચરી હત્યા કરવાની કબુલાત કરતા ખંભાત ગ્રામ્ય પોલીસે તેઓની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર થોડા સમય પુર્વે ખંભાત જઈ રહેલી આણંદની મહિલાને રીક્ષામાં બેસાડી જલુંધ નજીક તેણીની લુંટ ચલાવી કરપીણ હત્યા કરી હતી. પોલીસે આ હત્યા કરનાર આરોપીઓ દિલીપ ઉર્ફે ડાહ્યો ગગજીભાઈ ચાવડા, સલીમ ઈસ્માઈલ પટેલ વિજય ઉર્ફે ચકો જશભાઈ ચાવડા સહિત ત્રણ જણાને ઝડપી પાડી વિરસદ પોલીસે પુછપરછ કરતા આ ત્રણેય સિરીયલ કીલરોએ બોરસદ નજીકથી એક મહિલાને વાહનમાં બેસાડી તેમજ તારાપુર પંથકમાં પણ એક મહિલાની હત્યા કરી હોવાની કબુલાતો કરી હતી. ત્યારે આ સિરીયલ કીલરોએ ખંભાતની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી ભુવેલની તરુણ ઉર્ફે રચુ ઉ.વ. ૨૨ ને પણ તા. ૨૩-૧૦-૨૦૧૯ ના રોજ સાંજના ભુવેલ બસ સ્ટેન્ડ પાસેથી રીક્ષામાં બેસાડી તેણીનું અપહરણ કરી તેની પાસેથી ૧૪૦૦ રુપિયા રોકડા, પાંચ હજાર રુપિયા મોબાઈલની લુંટ કરી રાત્રી દરમિયાન તેણી પર સામુહિક દુષ્કર્મ આચરી અને તા. ૨૪-૧૦-૨૦૧૯ ની વહેલી સવારે રીક્ષામાં વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના નિશાળીયા ગામની સીમમાં લઈ જઈ તેણીને ગળે ફાંસો આપી તેણીની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ ત્રણેય નરાધમો એકલ દોકલ મહિલાઓને રીક્ષામાં બેસાડી તેમની પાસેના પૈસા અને મોબાઈલ ફોનની લુંટ ચલાવી સામુહિક દુષ્કર્મ આચરતા અને ત્યારબાદ હત્યા કરી લાશને ફેંકી દેતા આ ત્રણ સિરીયલ કીલરોને ચાર હત્યાઓ કરી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસ દ્વારા આ બનાવ અંગે નગીનભાઈ વિઠ્ઠલભાઈ પંચાલની ફરિયાદના આધારે ત્રણેય શખ્સો વિરુદ્ધ વધુ એક ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.