(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૧
રાજ્યમાં ભરઉનાળે પાણીની તંગીની સ્થિતિને પહોંચી વળવા સરકારી તંત્રની દોડધામ વધી જવા પામી છે. મુખ્યમંત્રી તથા અન્ય મંત્રીઓ રાજ્યમાં પાણીની તંગી નહીં સર્જાય તેવી લોકોને હૈયાધરખમ ભલે આપતા હોય પરંતુ રોજરોજ પાણી-સંબંધી ફરિયાદો બહાર આવતી રહે છે ત્યારે સરકાર દ્વારા રાજ્યના જળસંકટને લઈ વિવિધ આયોજનો કરાઈ રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને તેને લઈ સમીક્ષા બેઠકો પણ હાથ ધરાય છે. આજે સરકાર દ્વારા પાણીના સંગ્રહ સહિતની બાબતે સ્વૈચ્છિક સંસ્થાઓ (એનજીઓ)ની મદદ લેવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત નદીમાં બારેમાસ પાણી રહે તે માટે નર્મદા ડેમમાંથી ૧પ૦૦ ક્યુસેક વધારાનું પાણી ઓથોરિટી પાસે માંગવામાં આવેલ છે.
હાલમાં ઉનાળા દરમિયાન જળસંકટને ટાળવા માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. રાજ્યભરમાં અનેક જગ્યાઓએ પાણીની તંગીની ફરિયાદો ઊઠી રહી છે ત્યારે ઉત્તર ગુજરાત જેમ કે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, તેમાં જળસંગ્રહ માટે કેવા પ્રકારના પગલાં લઈ શકાય, અને લોકોમાં કેવી રીતે અવેરનેસ લાવી શકાય, તેમજ હાલ જે પાણીના સોર્સ છે. તેનો કેવી રીતે બગાડ ન કરી શકાય તે તમામ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યભરમાં પાણી બચાવવા મો કામ કરતી (સેવાભાવી સંસ્થાઓ) એનજીઓને બોલાવવામાં આવી હતી. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પાણી પુરવઠા મંત્રી પરબત પટેલ સહિત અધિકારીઓએ રાજ્યભરમાંથી આવેલ વિવિધ એનજીઓ સાથે બેઠક કરી હતી. જેમાં નિર્ણય લેવાયો હતો કે, રાજ્ય સરકાર હવે જળસંગ્રહ માટે એનજીઓની મદદ લેશે. હાલ જે તળાવો છે, તેની સ્થિતિ સારી કરવામાં આવે તો આગામી વરસાદમાં તેમાં વધુ પાણીનો સંગ્રહ કરી શકાય તે માટે શું કરવું તેની ચર્ચા પણ બેઠકમાં કરાઈ હતી.
ભરૂચથી દરિયા કિનારા સુધીના વિસ્તાર સુધી પાણી રહે તે માટે ૬૦૦ ક્યુસેક પાણી તો આપવામાં આવે જ છે, પરંતુ ભવિષ્યમાં કાયમી ધોરણે ૧પ૦૦ ક્યુસેક પાણી ગુજરાતને ફાળવવા માટે માગણી કરી છે. ગુજરાતના ભાગમાંથી જે પાણી ફાળવાય છે તે નહીં ગણવાને બદલે, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન ચારેય રાજ્યોનો જે સામૂહિક હિસ્સો છે, તેમાંથી પાણી આપવા માટે માગણી કરાઈ છે. આ વધારાનું ૧પ૦૦ ક્યુસેક પાણી ગુજરાતને ફાળવવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટી ભાગીદાર રાજ્યોના અભિપ્રાય બાદ નિર્ણય લેશે.