મોડાસા, તા.૯
મેઘરજ તાલુકાના ઇપલોડા ગામની ઈપલોડા દુધ ઉત્પાદક સ.મંડળીમાં છેલ્લા એક વર્ષથી ઊચાપત અને કૌભાંડ મૂદ્દે વિવાદ ચાલી રહ્યો છે આ અંગે જિલ્લા રજિસ્ટ્રાર અને કલેક્ટરને ગ્રામજનોએ આવેદનપત્ર આપતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા વિવાદિત મંડળીના વહીવટ માટે સાબરડેરીના સી. ઓફિસરની નિમણૂંક કરવામાં આવી હતી. જે વહીવટદારે જિલ્લા રજિસ્ટ્રારને રીપોર્ટ કર્યો હતો કે તા. ૬ જુલાઈ ૨૦૨૦ના રોજ જિલ્લા રજિસ્ટ્રાર અને કલેક્ટરને આપવામાં આવેલ આવેદનમાં કરવામાં આવેલ સભાસદોની સહીઓ અને રજુઆત ખોટી છે અને રીપોર્ટ પણ ખોટો છે તેવો ખોટો અહેવાલ જિલ્લા રજિસ્ટ્રારને મોકલતા સભાસદોમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને બુધવારે મોડીરાત્રીએ ગ્રામજનો અને સભાસદો મંડળીમાં એકત્ર થઈ કથળેલા દૂધ મંડળીના વહિવટથી ત્રસ્ત આવી દુધ મંડળીને તાળાબંધી કરી હતી અને જ્યા સુધી કસ્ટોડિયન યોગ્ય અને ન્યાયિક રીપોર્ટ રજુ ન કરે ત્યાં સુધી દૂધ મંડળીનું તાળુ ખોલવામાં આવશે નહી તેવુ સભાસદોએ જણાવ્યુ હતુ. તેમજ કસ્ટોડિયને સભાસદોની જાણ બહાર જિલ્લા રજિસ્ટ્રારને બારોબાર અહેવાલ સુપરત કરી દેવાતા સભાસદોમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને આ વિવાદનો યોગ્ય અંત ન આવે અને સભાસદોને યોગ્ય ન્યાય ન મળે તો ફરીથી જિલ્લા રજિસ્ટ્રાર અને ઉચ્ચ કક્ષાએ આવેદન આપી રજૂઆત કરવાની પણ ગ્રામજનોએ ચીમકી ઊચ્ચારી હતી.