જૂનાગઢ, તા.૧૧
ગુજરાત સરકારના પૂર્વમંત્રી અને ભાજપના વરિષ્ઠ અગ્રણી સોમનાથ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જશાભાઈ બારડે પોતાના પુત્રના ચેરમેન પદ હેઠળ ચાલતા સૂત્રાપાડા માર્કેટિંગ યાર્ડને ૧ર.પપ કરોડની લોન આપી દઈ આ લોનની રકમમાંથી ૩.૪૬ કરોડના ઉપાડ કરી લીધા પછી માર્કેટિંગ યાર્ડની જમીન બંજર હાલતમાં હોવાની વિગતો મળ્યા બાદ બેન્કના એમ.ડી. ડોલર કોટેચાએ જશાભાઈ બારડ અને તેમના પુત્ર અને સૂત્રાપાડા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિલીપ બારડ જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કના સીઈઓ કિશોર સામે ૧ર.પપ કરોડની લોન નિયમ વિરૂધ્ધ આપી દઈ નાણાંનો દુર્વ્યય કર્યાની અરજી જૂનાગઢ જિલ્લા પોલીસવડાને કરવામાં આવતાં જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
સૂત્રાપાડા માર્કેટિંગ યાર્ડને રૂા.૧ર.પપ કરોડની લોન આપવા માટે કોઈ ચર્ચા કે કાર્યવાહી બોર્ડના એજન્ડામાં કરવામાં આવી નથી. એટલું જ નહીં સૂત્રાપાડા માર્કેટિંગ યાર્ડના બાંધકામ માટે ૩.પ કરોડથી વધુની રકમનો ઉપાડ કરવામાં આવ્યો છે. ઉક્ત નાણાં વાપરી નાંખવામાં આવ્યા પછી સૂત્રાપાડા માર્કેટિંગ યાર્ડની જમીન આજે પણ બંજર છે અને ત્યાં કોઈપણ પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું નથી. જિલ્લા પોલીસવડાને લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા સોરઠ પંથકનું રાજકારણ ગરમાયું છે.
પોતાના પર થયેલ આક્ષેપો અંગે પૂૃવ મંત્રી જશાભાઈ બારડે જણાવ્યું હતું કે બેન્કની લોન છે તે નિયમ મુજબ જ આપી છે અને આગામી ૧૮મીએ બેન્કના ચેરમેન વાઈસ ચેરમેનની ચૂંટણી હોય તે મુદ્દે આ પ્રકરણ ખોટી રીતે ચગાવવામાં આવ્યું છે. પોલીસને અરજી આપી છે. ફરિયાદ નથી થઈ તેમ તેમણે જણાવ્યું.
જશાભાઈ બારડ, તેમના પુત્ર અને બેન્કના સીઈઓ સામે ૧ર.પપ કરોડની લોનનો દુર્વ્યય કર્યાની અરજીથી ખળભળાટ

Recent Comments