(એજન્સી)                                          નવી દિલ્હી, તા.૯

૩૧મી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટના જજ અરૂણ મિશ્રાની બેન્ચે વીજ નિયંત્રકના નિર્ણયને મંજૂરી આપી હતી જેમાં રાજસ્થાનમાં અદાણી પાવરને એમના પાવર પ્લાન્ટમાં વીજ ઉત્પાદન માટે ૮૦૦૦ કરોડ રૂપિયા  “વળતર આપનાર ટેરિફ” તરીકે આપવા જણાવ્યું હતું. જજ મિશ્રાનો આ ચુકાદો એમની નિવૃત્તિના ફક્ત બે જ દિવસ પહેલા આપવામાં આવ્યો હતો. આ ૨૦૧૯ના વર્ષથી સાતમો ચુકાદો હતો જે જજ મિશ્રાની આગેવાની હેઠળ અદાણીની કંપનીઓની તરફેણમાં આપવામાં આવેલ છે. આ ૮૦૦૦ કરોડ રૂપિયા વળતરની કિંમત જયપુર, જોધપુર અને અજમેરના  ગ્રાહકોને ભોગવવી પડશે. આ ચુકાદો ત્રણ શહેરોની વીજ વિતરણ કંપનીઓ અને ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશનની અરજીઓના અનુસંધાને અપેલેટ ટ્રિબ્યુનલ ફોર ઇલેક્ટ્રિસિટીના ૨૦૧૯ના ચુકાદાની વિરૂદ્ધ આપવામાં આવ્યો હતો.  કોર્ટે ઠરાવ્યું કે રાજસ્થાન સરકારે અદાણી સાથે સમજૂતીનો કરાર કર્યો હતો કે તે અદાણીને સ્થાનિક  રીતે કોલસાનો પુરવઠો પૂરો પાડશે. પણ એ પછી સરકારે કાયદામાં ફેરફાર કરતા અદાણીને કોલસાનો પુરવઠો ઠરાવેલ કિંમતે આપી શકી નહિ. અને બીજી બાજુ અદાણીએ વધુ કિંમત ચૂકવી ઇન્ડોનેશિયાથી કોલસાની આયાત કરવી પડી હતી. જેથી અદાણી વળતરના ટેરીફ મેળવવા અધિકાર ધરાવે છે. કોલસાના ભાવ વધતા અદાણીને ઠરાવેલ કિંમતે વીજળી આપવી પડી હતી જેના લીધે એમને નુકસાન થયું હતું જેના વળતર પેટે આ રકમ આપવા કોર્ટે જણાવ્યું હતું.                         (સૌ. : ન્યુઝ ક્લિક.ઈન)