પિતાનું મૃત્યુ કાયદો બન્યા પહેલાં એટલે કે ૨૦૦૫થી પહેલાં થયું હશે તો પણ દીકરીને દીકરા જેટલો જ અધિકાર મળશે

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
શું મહિલાને એક પુત્રી તરીકે કૌટુંબિક મિલકતમાં સરખો અધિકાર છે ? આ પ્રશ્નનો ઉત્તર સુપ્રીમ કોર્ટે હકારાત્મક આપ્યો હતો. કોર્ટે જણાવ્યું કે, હિંદુ વારસા કાયદાના ૨૦૦૫માં સુધારાયેલ કાયદા હેઠળ કુટુંબની મિલકતમાં પુત્રીનો અધિકાર સરખો છે અને આ સુધારાની જોગવાઈનો અમલ ૨૦૦૫ પહેલાના કેસોમાં પણ લાગુ પડશે. સુપ્રીમ કોર્ટના જજ અરૂણ મિશ્રાની બેન્ચે કહ્યું કે, ‘પુત્રી હંમેશા પુત્રી રહે છે જ્યારે પુત્ર લગ્ન કરે ત્યાં સુધી જ પુત્ર રહે છે. પુત્રીનું મિલકતમાં કો-પર્સનર તરીકેનો અધિકાર સમગ્ર જીવન સુધી રહે છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ એમના જ બે ૨૦૧૬ અને ૨૦૧૮ના વિરોધાભાસી ચુકાદાઓ સંદર્ભે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો જેમાં હિંદુ વારસા ધારાની કલમ ૬નું અર્થઘટન કરવામાં આવ્યું હતું જેને પછીથી ૨૦૦૫માં સુધારવામાં આવું હતું. ૨૦૧૮માં કોર્ટે પુનઃ પુષ્ટિ કરી હતી કે મિલકતમાં પુત્રીનો અધિકાર જન્મથી જ લાગુ થઈ જાય છે જે રીતે પુત્રનો અધિકાર લાગુ થાય છે. પુત્રીના પિતા જીવિત હોય કે ના હોય પણ એનો અધિકાર ચાલુ જ રહે છે અને આ જોગવાઈ ૨૦૦૫ પહેલાના કેસોમાં પણ લાગુ પડશે. ૨૦૦૫ના વર્ષમાં જ્યારે કાયદો સુધારવામાં આવ્યો હતો ત્યારે એમાં પૂર્વ વર્તી અસરનો ઉલ્લેખ ન હતો. પુત્ર અને પુત્રી મિલકતમાં અધિકાર જન્મ સાથે જ ધરાવે છે.