(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
દિલ્હી હાઇકોર્ટના જજ જસ્ટિસ એસ મુરલીધરની ટ્રાન્સફર કરવાના સમય અંગે સર્જાયેલા વિવાદ વચ્ચે સુપ્રીમકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ કેજી બાલકૃષ્ણને જણાવ્યું કે જસ્ટિસ મુરલીધરની પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો મધ્યરાત્રિએ આદેશ જારી કરતી વખતે સરકાર થોડુંક સાવચેત રહેવું જોઇતું હતું. ભૂતપૂર્વ ચીફ જસ્ટિસે એવું પણ કહ્યું કે જ્યારે દેશમાં પરિસ્થિતિ આટલી ખરાબ અને મીડિયા તેમ જ અન્ય લોકો આટલા સક્રિય છે તો સરકારે અડ્‌ધી રાત્રે આવી ટ્રાન્સફરના આદેશ જારી કરતી વખતે તોડીક સાવધાની રાખવી જોઇતી હતી. નફરતભર્યા ભાષણો કરનારા ભાજપના ત્રણ નેતાઓ સામે એફઆઇઆર નોંધવામાં દિલ્હી પોલીસની નિષ્ફળતા અંગે જસ્ટિસ મુરલીધરના નેતૃત્વવાળી બેંચ દ્વારા રોષ વ્યક્ત કરવાના દિવસ ૨૬મી ફેબ્રુઆરીએ કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જસ્ટિસ મુરલીધરની ટ્રાન્સફરનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. જોકે, જસ્ટિસ મુરલીધરની ટ્રાન્સફર અંગે ભારે હોબાળો થયા બાદ બચાવની સ્થિતિમાં આવી ગયેલી સરકારે જણાવ્યું હતું કે જસ્ટિલ મુરલીધરની ટ્રાન્સફરનો કોઇ પણ કેસ સાથે કોઇ લેવા દેવા નથી. કારણ કે આ બાબતના સંદર્ભમાં સુપ્રીમકોર્ટના કોલેજિયમ દ્વારા પહેલા જ ભલામણ કરી દેવામાં આવી હતી અને પોતાની ટ્રાન્સફરને જસ્ટિસ મુરલીધરે પણ સંમત્તિ આપી હતી. જસ્ટિસ બાલકૃષ્ણને ફોન પર જણાવ્યું કે આ માત્ર એક સંયોગ છે કે જસ્ટિસ મુરલીધરે નફરતભર્યા ભાષણો અંગે આદેશ આપ્યાના દિવસે અંતિમ ટ્રાન્સફરનું જાહેરનામું જારી કરવામાં આવ્યું હતું, જોકે, તેમની ટ્રાન્સફર અંગે એક સપ્તાહ પહેલા કોલેજિયમ દ્વારા વિચારણા કરવામાં આવી હતી.