(એજન્સી) ઓટોવા, તા. ૨૮
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સ્વદેશ પહોંચીને ભારત વિરોધી ટીપ્પણી કરી છે. ટ્રુડોએ એવા દાવાને ટેકો આપ્યો છે કે તેમની તાજેતરની ભારત યાત્રા દરમિયાન ભારતની સરકારી અમલદારશાહીએ તેમની છાપ ખરડવાનો પ્રયાસ કર્યો. ભારતે આ દાવાનું જોરદાર રીતે ખંડન કર્યું છે. ટ્રુડો થોડા દિવસો પહેલાં ભારત આવ્યાં હતા ને ખાલિસ્તાની નેતા જસપાલ અટવાલને કારણે તેમનો પ્રવાસ વિવાદમાં ઘેરાયો. ભારતીય મૂળના કેનેડાઈ નાગરિક અટવાલ પર ખાલિસ્તાન તરફી વલણ રાખવાનો આરોપ છે. આ અંગે પેદા થયેલા વિવાદોમાં ટ્રુડો કાર્યાલયમાં મીડિયા માટે એક બ્રિફિંગ તૈયાર કરવામાં આવ્યું. કેનેડાના મીડિયામાં આવેલી ખબરો અનુસાર, તેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડેનિયમ જ્યાંએ કહ્યું હતું કે અટવાલની ઉપસ્થિતિ પાછળ ભારતના એ સરકારી તત્વોનો હાથ હતો જેઓ નહોતા ઈચ્છતા કે વડાપ્રધાન મોદી તે વિદેશી સરકારની નજીક આવે જેઓ તેમની નજરમાં ભારતને એક જોવા નથી માંગતા. ટ્રુડો કેનેડામાં આવ્યા તે પછી ત્યાંથી સંસદમાં પણ વિપક્ષી સાંસદોએ અટવાલના મુદ્દે તેમની ઘેરાબંધી કરી. વિપક્ષી સાંસદોએ એવું પણ પૂછ્યું કે ભારત સરકાર વતી એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ટ્રુડોએ સરકારી અધિકારીના બયાનનું સમર્થન કર્યું. તેમને એવું કહેતા સાંભળવામાં આવ્યાં કે જ્યારે અમારા ટોચના અધિકારીઓમાં એક કેનેડાના નાગરિકને કંઈ કહે છે તેઓ જાણે છે આ સાચું છે. ભારતે જસ્ટિન ટ્રુડોના આ આક્ષેપને જોરદાર રીતે નકારી કાઢ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ રવીશ કુમારે કહ્યું કે ભારત કે ભારતીય એજન્સીઓને જસપાલ અટવાલની હાજરી સાથે કંઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે કેનેડાનો આ દાવો તદ્દન પાયોવિહોણો અને ખોટો છે.