જામનગર, તા. ૨૮
જામનગરના જાંબુડા પાટીયા પાસે સવારે એક મોટરે એક મહિલા, બાળકી તથા પુરૂષને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો જેમાં મહિલા તથા બાળકીના મૃત્યુ નિપજ્યા છે જ્યારે પુરૂષને સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે મૃતકોની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા જાંબુડા ગામના પાટીયા પાસે સવારે જીજે-૩-એચએ-૩૫૮૦ નંબરની હ્યુંડાઈ કંપનીની એસેન્ટ મોટરે ત્યાંથી ચાલીને જતા પીસ્તાલીસેક વર્ષની વયના મહિલા, ચારેક વર્ષની બાળકી તથા પાંત્રીસેક વર્ષના પુરૂષને ઠોકરે ચઢાવ્યા હતાં. ઉપરોક્ત અકસ્માત સર્જી મોટરચાલક નાસી ગયો હતો. ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકોએ ત્રણેય ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવાની તજવીજ શરૂ કરી હતી. ઈજાગ્રસ્ત મહિલા તથા બાળકીના સારવાર કારગત નીવડે તે પહેલાં મૃત્યુ નિપજ્યા હતાં.જ્યારે બન્ને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા પુરૂષને સારવાર આપવામાં આવી રહી છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. પીએસઆઈ ડી.પી. ચુડાસમાએ અકસ્માત સર્જનાર મોટરના ચાલકની શોધ શરૃ કરી છે. જમાદાર પ્રફુલભાઈ એચ. પરમારે ખુદ ફરિયાદી બની મોટરનાચાલક સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. બન્ને મૃતક તથા ઈજા પામનારની ઓળખ મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે.