અમદાવાદ, તા.૩૧
જાણીતા કર્મશીલ અને સબરંગ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ડાયરેકટર તિસ્તા સેતલવાડ અને તેમના પતિ તથા એચઆરડી ભારત સરકારના મંત્રાલયના અજાણ્યા અધિકારીઓ વિરૂદ્ધ ખોજ પ્રોજેક્ટ હેઠળ સબરંગ ટ્રસ્ટના નામે એચઆરડી મંત્રાલયમાંથી ગેરકાયદેસર રીતે રૂા.૧.૪૦ કરોડની ગ્રાન્ટ મેળવી અને તેનો દુરૂપયોગ કરવાના તેમજ લાગણી દુભાવાના આક્ષેપ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. તિસ્તા સેતલવાડ વિરૂદ્ધ વધુ એક ફરિયાદ સામે આવી છે. અમદાવાદના રહીશ ફરિયાદી એવા રઈસખાન પઠાણે ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો છે કે સબરંગના ટ્રસ્ટી અને ડાયરેકટર તિસ્તા સેતલવાડ તેમજ તેમના પતિ સબરંગના ટ્રસ્ટના જાવેદ આનંદ અને એચઆરડી મંત્રાલયના ભારત સરકારના અજાણ્યા અધિકારીઓએ એકબીજાના મેળાપીપણામાં કાવતરું રચી ખોજ પ્રોજેક્ટ હેઠળ સબરંગ ટ્રસ્ટના નામે એચઆરડી મંત્રાલયમાંથી ગેરકાયદેસર રીતે ૧.૪૦ કરોડ મેળવી વિશ્વાસઘાત કર્યો છે તેમજ આ રકમનો દુર્વિનિયોગ કરી પોતાના ઉપયોગમાં લીધી છે અને ટ્રસ્ટના ડાયરેકટર તથા ટ્રસ્ટી અને સીએબીઈના સભ્ય તરીકે પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરી ગેરકાયદેસર રીતે લાભ મેળવ્યો છે. વળી ફરિયાદીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તિસ્તા સેતલવાડના સાહિત્ય અને તેના પ્રચાર પ્રસારથી કોમ તથા જ્ઞાતિઓ વચ્ચે વૈમનશ્ય, વેરઝેર અને દુશ્મનાવટ ફેલાય તે પ્રકારનું છે. તેવા આક્ષેપો કરી ફરિયાદીએ તેમના કૃત્યને ગુનાહિત કૃત્ય ગણાવી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે અને તિસ્તા સેતલવાડ, તેમના પતિ અને એચઆરડી મંત્રાલય ભારત સરકારના અજાણ્યા અધિકારી/કર્મચારીઓ વિરૂદ્ધ તપાસની માંગ કરી છે.