(એજન્સી) તા.૧૦
દેશના બધા જ જિલ્લાઓમાં શરિયત કોર્ટ શરૂ કરવાની ઓલ ઈન્ડિયા પર્સનલ લૉ બોર્ડની જાહેરાતે એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે. આ વખતે ફરીથી ધર્મ ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. એક તરફ ભાજપનું માનવું છે કે, દેશમાં બંધારણની સમાંતર કોઈ કોર્ટ ન હોવી જોઈએ તો બીજી તરફ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ તેને સુપ્રીમકોર્ટના નિર્ણય અનુસાર ગણાવી રહ્યો છે. દારૂલ કઝા ઈસ્લામિક શરિયત પ્રમાણે ચુકાદો આપતી કોર્ટ છે. અહીં લગ્ન, તલાક, સંમતિની વહેંચણી, દીકરીઓનો સંપત્તિમાં ભાગ જેવી બાબતો પર સુનાવણી કરવામાં આવે છે. દારૂલ કઝામાં એક અથવા વધારે જજ હોઈ શકે છે. જેમને સામાન્ય રીતે કાઝી ઈસ્લામિક શરિયતના વિદ્ધાન હોય છે. હાલમાં સમગ્ર દેશમાં લગભગ પ૦ જેટલી દારૂલ કઝા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની દેખરેખમાં સક્રિય છે. બોર્ડ વર્ષ ૧૯૯૩થી દારૂલ કઝાનું સંચાલન કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં મુસ્લિમોની ત્રણ તલાક, નિકાહ અને હલાલા જેવી બાબતો સુપ્રીમકોર્ટ સુધી પહોંચી ગઈ હતી. આથી બોર્ડે તેમની વ્યૂહરચના બદલી હતી. બોર્ડનું માનવું છે કે મુસ્લિમો તેમના પારિવારિક મતભેદોનો ઉકેલ દારૂલ કઝા દ્વારા લાવે. આવું કરવાથી ખર્ચની બચત, વિવાદનું વહેલીતકે નિરાકરણ અને ઈસ્લામ પ્રમાણે વિવાદનો ઉકેલ સંભવ છે. પરંતુ કેટલાક લોકો એવી અફવા ફેલાવે છે કે મુસ્લિમો તેમના માટે જુદી કોર્ટ ઊભી કરી રહ્યા છે. પરંતુ ઓલ ઈન્ડિયા પર્સનલ લૉ બોર્ડના સેક્રેટરી ઝફરયાબ જીલાનીએ આ અફવાઓને રદિયો આપતાં કહ્યું હતું કે હું સ્પષ્ટ કરવા માંગું છું કે દારૂલ કઝા કોઈ સમાંતર કોર્ટ નથી જેના વિશે ૭ જુલાઈ ર૦૧૪ના રોજ સુપ્રીમકોર્ટે ચુકાદો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અમે દારૂલ કઝામાં કાઝી વડે ફકત ઈસ્લામિક શરિયત અંતર્ગત કોઈપણ બાબતમાં કાયદો બનાવીએ છીએ. કાઝી કોઈ એન્ફોર્સિંગ એજન્સી નથી. ત્રણ તલાકની બાબતને દારૂલ કઝા સાથે જોડવું સંપૂર્ણપણે ખોટું છે.