વૉશિંગ્ટન,તા.૬
બાસ્કેટબોલ સ્ટાર માઇકલ જોર્ડન સામાજિક ન્યાય અને જાતિવાદ માટે લડતી સંસ્થાઓને ૧૦૦ મિલિયન ડોલર (લગભગ ૭૫૫ કરોડ રૂપિયા) દાન કરશે. જોર્ડન અને તેની બ્રાન્ડ આગામી ૧૦ વર્ષ માટે આ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓને ભંડોળ પૂરું પાડશે. આ દાન ફેસબુક અને એમેઝોન કરતા ૧૦ ગણું વધારે છે. આ બંને કંપનીઓએ સામાજિક ન્યાય ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓને ૧૦ મિલિયન (લગભગ ૭૫ કરોડ રૂપિયા) દાન આપવાની જાહેરાત કરી છે. જોર્ડેને આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે અમેરિકામાં બ્લેક સિવિલિયન જ્યોર્જ ફ્લોયડની હત્યા બાદ દેશમાં રંગભેદ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જોર્ડન અને તેની બ્રાન્ડે એક નિવેદન બહાર પાડતા કહ્યું – અશ્વેત જીવનની પણ કિંમત છે. તે પણ મહત્વ ધરાવે છે. આ કોઈ વિવાદિત નિવેદન નથી. આપણા દેશમાં રંગભેદ સંપૂર્ણ નાબૂદ થાય ત્યાં સુધી, અમે અશ્વેતોની સુરક્ષા અને સામાજિક ન્યાય માટે લડતા રહીશું. બ્રાન્ડ જોર્ડનના પ્રમુખ ક્રેગ વિલિયમ્સે કહ્યું – અશ્વેત સમુદાયના જીવનમાં પરિવર્તન લાવવા માટે હજી ઘણું કામ બાકી છે. અમે તેની જવાબદારી લઈએ છીએ. જોર્ડેને અમેરિકામાં પોલીસના હાથે અશ્વેતના મોત અંગે નિવેદન જારી કરતા કહ્યું હતું કેઃ “મારી સંવેદના ફ્લોયડના પરિવાર સહિત અસંખ્ય લોકો પ્રત્યે છે, જેમણે વંશીય તોડફોડ અને અન્યાયના કારણે પોતાનો જીવ ગુમાવ્ય છે. હવે બહુ થઈ ગયું, આપણે ભેગા થઈને જાતિવાદ સામે અવાજ ઉઠાવવો જોઈએ. જેથી આપણા નેતાઓ પર કાયદો બદલવા માટે દબાણ આવે.’