(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
સુપ્રીમકોર્ટે ગુરૂવારે કહ્યું હતું કે, એક વ્યક્તિની જાતિ અફર છે અને તેને લગ્ન પછી પણ બદલી શકાતી નથી. ર૧ વર્ષ પહેલાં કેન્દ્રીય વિદ્યાલયમાં થયેલી એક મહિલા શિક્ષકની નિમણૂકને રદ કરતાં સુપ્રીમકોર્ટે આ નિરીક્ષણ કર્યું હતું. આ મહિલા શિક્ષકે અનુસૂચિત જાતિની વ્યક્તિ જોડે લગ્ન કર્યા હતા અને એ આધાર પર અનામતનો લાભ મેળવ્યો હતો. જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ એમ.એમ.શાંતના ગૌહરની ખંડપીઠે કહ્યું કે આ મહિલા કે જે બે દશક સુધી શાળામાં નોકરી કરીને વાઈસ-પ્રિન્સિપાલ બની ગઈ છે તેને અનામતનો લાભ મળી શકે નહીં કારણ કે તેનો જન્મ ઉચ્ચ જ્ઞાતિના કુટુંબમાં થયો હતો અને અનુસૂચિત જાતિની વ્યક્તિ જોડે લગ્ન કરવા છતાં તેની જાતિ બદલાઈ નથી. ખંડપીઠે કહ્યું હતું કે આ બાબતે કોઈ શંકા નથી કે જાતિ જન્મથી નક્કી થાય છે અને તેને અનુસૂચિત જાતિની વ્યક્તિ જોડે લગ્ન કરીને બદલી શકાતી નથી. ચોક્કસપણે તેણી અગ્રવાલ જ્ઞાતિમાં જન્મી છે જે બિનઅનામત વર્ગમાં આવે છે, નહીં કે અનુસૂચિત જાતિમાં. ફકત એટલા માટે કે તેનો પતિ અનુસૂચિત જાતિનો છે તે માટે તેણીને અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર ન આપવું જોઈએ. બુલંદશહેરના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા તે મહિલાને ૧૯૯૧માં અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. શૈક્ષણિક યોગ્યતા અને જાતિના પ્રમાણપત્રને આધારે તેને ૧૯૯૩માં કેન્દ્રીય વિદ્યાલયમાં અનુસ્નાતક શિક્ષક તરીકે પંજાબના પઠાણકોટ ખાતે નિમણૂક આપવામાં આવી હતી, તેણીએ એમ.એડ પૂર્ણ કર્યું હતું. તેની નિમણૂકના બે દાયકા પછી તેની નિમણૂક રદ કરવા વિશે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેણી અનુસૂચિત જાતિની નથી છતાં પણ તેણીએ અનામતનો ગેરકાયદે લાભ મેળવ્યો હતો. આ કેસમાં તપાસ કર્યા પછી અધિકારીઓએ તેની જાતિ પ્રમાણપત્ર રદ કર્યું હતું અને કેન્દ્રીય વિદ્યાલયે તેની નોકરી ર૦૧પમાં સમાપ્ત કરી હતી. કેન્દ્રીય વિદ્યાલયના નિર્ણયની સામે તેણી દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેને હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી. ત્યારબાદ તેણે સુપ્રીમકોર્ટમાં હાઈકોર્ટના નિર્ણયમાં રાહત આપવા અરજી કરી હતી. કોઈપણ પ્રકારના દોષ વગરની તેની ર૦ વર્ષની નોકરીને ધ્યાનમાં લઈ સુપ્રીમકોર્ટે હાઈકોર્ટના ચૂકાદામાં ફેરફાર કરીને નોકરી સમાપ્ત કરવાના નિર્ણયને ફરજિયાત નિવૃત્તિમાં ફેરવી નાંખ્યો હતો. ખંડપીઠે આ વિશે કહ્યું હતું કે ઉદારતા દાખવતા અમે એ વાત પણ ધ્યાનમાં રાખી હતી કે તેણીએ જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે કોઈપણ પ્રકારની છેતરપિંડી કરી નથી. તેના વિરૂદ્ધ ફરિયાદ દાખલ થયા પહેલાં કોઈપણ પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો નથી ત્યારે પણ કે જ્યારે અધિકારીઓએ તેના શાળાના પ્રમાણપત્રમાં, માર્કશીટમાં તેની જ્ઞાતિ અગ્રવાલ જોઈ.