મરૂના મુર્મુએ જણાવ્યું કે દેશભરમાં જે મુદ્દે ચર્ચા ચાલી રહી છે તેના પર અભિપ્રાય આપવાની બાબતને મારી ઓળખ સાથે શું નિસબત છે એ વાત મને સમજાતી નથી

(એજન્સી)                        તા.૬

જાદવપુર યુનિવર્સિટીની પ્રો.મરૂના મૂર્મૂ કે જેમણે કોવિડ-૧૯ના જોખમને લઇને કેન્દ્ર દ્વારા પરીક્ષા યોજવાના નિર્ણય વિરૂદ્ધ અભિપ્રાય આપ્યો હતો. તેમણે ક્યારેય એવું નહીં વિચાર્યુ હોય કે તેમના વિચારો સોશિયલ મિડીયા પર આટલી ખરાબ અસર લઇને આવશે કારણ કે ત્યાર બાદ તેમને પોતાના વલણ માટે ખરાબ રીતે જ્ઞાતિવાદી ગાળોનો સામનો કરવો પડ્યો છે. તેમની મુશ્કેલી ૨,સપ્ટે. ત્યારે શરૂ થઇ જ્યારે આદિવાસી સમુદાયના પ્રો.મરૂના મુર્મુએ ફાઇનલ વર્ષ અને ટર્મિનલ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે પરંપરાગત રીતે પરીક્ષા યોજવાના યુજીસીના નિર્ણય અંગે સોશિયલ મિડીયા પર ચિંતા વ્યક્ત કરી. મરૂના મૂર્મૂની આ પોસ્ટ પર મેથ્યુન કોલેજની વિદ્યાર્થીની પારોમિતા ઘોષની બાંગ્લા ભાષામાં એક વાંધાજનક કોમેન્ટ સહિત વિવિધ લોકો દ્વારા ઉગ્ર ટીકા થઇ. પારોમિતા ઘોષે  લખ્યું હતું કે તે આશ્ચર્યજનક છે કે જાદવપુર યુનિવર્સિટીમાં મરૂન મૂર્મૂ જેવા પ્રોફેસર છે. હું તેમની માનસિકતા અને તેમણે પરીક્ષા વિરૂદ્ધ જે  વલણ અખત્યાર કર્યુ છે તેનાથી આશ્ચર્યચકિત છું. હું તેમને ક્વોટા અને નો-ક્વોટા વચ્ચેનો ભેદ સમજાવવા માગું છું. આમ પ્રો.મૂર્મૂને તેમની આદિવાસી ઓળખની યાદ અપાવતી પોસ્ટનો સામનો કરવો પડ્યો હતો. આ વાતની જાણ થતાં પ્રો.મૂર્મૂને આઘાત લાગ્યો હતો. તેમણે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે હું તેને આળખતી પણ નથી. મેં માત્ર દેશમાં જેની ચર્ચા ચાલી રહી છે તેના પર મારો અભિપ્રાય આપ્યો હતો. આ બાબતે કોઇ ટિપ્પણી કરવાના બદલે તેણે મારી ઓળખ પર અને અનામતને કારણે અને એટલે કે આદિવાસીઓને કઇ રીતે નોકરી મળે છે અને અમે તેના માટે કઇ રીતે લાયક નથી અથવા શિક્ષણ આપવાની અમારી ક્ષમતા નથી એવી ટિપ્પણી કરી છે. શું મને આદિવાસી હોવા બદલ કોઇનો પણ ઠપકા વગર કોઇ પણ મુદ્દે મારો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર નથી ? એવું મૂર્મૂએ પૂછ્યું હતું.